7 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સંભવિત પાકોના ઉત્કૃષ્ટ સંશોધન બદલ યુનિવર્સિટીના પાક સુધારણા કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ બહુમાન મળ્યું સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પાક સુધારણા કેન્દ્રને સંભવિત પાકોના સંશોધન અને વિકાસ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થતાં સમગ્ર યુનિવર્સિટી પરિવાર તેમજ રાજ્યના કૃષિ જગતમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.આ પ્રતિષ્ઠિત એવોર્ડ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે SHUATS માં ૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ‘XII Rabi Group Meet 2025-26’ દરમિયાન અર્પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રીશ્રી સૂર્ય પ્રતાપ શાહી, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. ડી. કે. યાદવ તેમજ SHUATS ના કુલપતિશ્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આ બહુમાન એનાયત થયું હતું. પાક સુધારણા કેન્દ્રના વડા ડૉ. એન. એન. પ્રજાપતિ અને સંશોધન વૈજ્ઞાનિક શ્રીમતી લલિતા સૈનીએ સંયુક્તપણે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન ‘ક્વિન્ક્વેનિયલ રિવ્યુ ટીમ’ (QRT) દ્વારા કેન્દ્રની પાંચ વર્ષની કામગીરીનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજગરો, કાલિંગડા, કંકોડા અને કિનોઆ જેવા સંભવિત પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતોનો વિકાસ, ફિલ્ડ મૂલ્યાંકન, પ્રસાર તેમજ આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે નોંધપાત્ર સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ પરિણામોના આધારે ‘ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ નેટવર્ક (AICRN) ઓન પોટેન્શિયલ ક્રોપ્સ’ અંતર્ગત દેશભરના સંશોધન કેન્દ્રોમાંથી SDAU ના પાક સુધારણા કેન્દ્રની ‘બેસ્ટ સેન્ટર’ તરીકે પસંદગી કરવામાં આવી છે.પાક સુધારણા કેન્દ્રની આ ઉપલબ્ધિ વર્તમાન તથા પૂર્વ વૈજ્ઞાનિકો અને સંશોધકોના અવિરત પરિશ્રમનું પરિણામ છે, જે રાષ્ટ્રીય ફલક પર ગુજરાતના કૃષિ સંશોધન ક્ષેત્રના પ્રદાનને ઉજાગર કરે છે. યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીના સતત પ્રોત્સાહન, સંશોધન નિયામકશ્રીના દિશાસૂચક માર્ગદર્શન તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીના પ્રસાર-પ્રચાર અંગેના સહયોગથી સંશોધન પ્રવૃત્તિઓને નવી દિશા અને ગતિ પ્રાપ્ત થઈ છે. આ રાષ્ટ્રીય સન્માનથી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને આબોહવા-અનુકૂળ તેમજ પૌષ્ટિક પાકોના સંશોધન ક્ષેત્રે ભવિષ્યમાં વધુ ઊર્જા સાથે કાર્ય કરવાની નવી પ્રેરણા મળશે.












