તા.૦૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોદીરોડની રાધાકૃષ્ણ સોસાયટીમાં તસ્કરોનો હાથફેરો: બંધ મકાનને નિશાન બનાવી ચોરી, ૩ બુકાનીધારીઓ CCTVમાં કેદ
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મકાન માલિક પરિવાર સાથે બહારગામ ગયા હોવાનો સીધો ફાયદો ઉઠાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો પરિવાર ગઈકાલે કોઈ કારણસર બહારગામ ગયો હતો. મકાન બંધ હોવાની પાકી બાતમીના આધારે રાત્રિના સમયે ત્રણ જેટલા બુકાનીધારી તસ્કરો ત્યાં ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરના મુખ્ય દ્વાર (મેઈન ગેટ)નું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલી તિજોરી તેમજ કબાટમાંથી કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘરમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે, જેમાં ત્રણ બુકાનીધારી ઇસમો ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. પરિવારના પરત આવ્યા બાદ જ ઘરમાંથી કુલ કેટલા રોકડા અને દાગીનાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










