વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન, ફૂડ પ્રોસેસિંગ અને પ્રાકૃતિક ખેતી અંગે મેળવ્યું પ્રત્યક્ષ માર્ગદર્શન
પ્રકૃતિ ક્લસ્ટર સંગઠન, નવસારી દ્વારા NRLM યોજના તથા નવસારી તાલુકા પંચાયતના સહયોગથી સખીમંડળની બહેનો માટે તા. ૬ અને ૭ ઓક્ટોબર દરમિયાન વાંસદા ખાતે બે દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી તાલુકાની સખીમંડળની ૫૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સખીમંડળની બહેનોને કૃષિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવા, કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરી બજારમાં તેનું વેચાણ વધારવા તેમજ સ્વરોજગાર દ્વારા આવકમાં વધારો થાય તે હેતુથી આ પ્રવાસ યોજાયો હતો.
પ્રવાસ દરમિયાન બહેનોએ વાંસદા ખાતે BAIF સંસ્થાની મુલાકાત લઈ વિવિધ કૃષિ અને મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓ અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ખાસ કરીને મશરૂમની ખેતી, ઉત્પાદન પ્રક્રિયા, તાપમાન વ્યવસ્થાપન તેમજ બજારમાં મશરૂમના વેચાણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાકભાજી અને ફળોમાંથી અથાણાં બનાવવાની પદ્ધતિ, પેકિંગ અને માર્કેટિંગ, મસાલા, પાપડ, વેફર, ચટણી અને જામ સહિતની ફૂડ પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ અંગે પણ બહેનોએ જાણકારી મેળવી હતી. સાથે જ વર્મી કમ્પોસ્ટ, જૈવિક ખાતર, ગુણવત્તાયુક્ત બિયારણ તથા નર્સરી વ્યવસ્થાપનની ઓછા ખર્ચની પદ્ધતિઓ વિશે પણ માર્ગદર્શન મેળવ્યું હતું.
પ્રવાસ દરમિયાન રંગપુર પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને બહેનોએ પ્રાકૃતિક ખેતી, જૈવિક ખાતર અને જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ સહિતની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. ખેતીમાં આ પદ્ધતિઓના ઉપયોગ અંગે પણ વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રેરણા પ્રવાસથી સખીમંડળની બહેનોને કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, પેકિંગ, માર્કેટિંગ અને પ્રાકૃતિક ખેતી અંગે પ્રત્યક્ષ અનુભવ તથા વ્યવહારુ માર્ગદર્શન મળ્યું હતું. પ્રવાસના પરિણામે બહેનોને નવીન કૃષિ આધારિત અને સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ અપનાવી પોતાની આવકમાં વધારો કરવા પ્રેરણા મળી હતી.









