માલિકા ગામમાં રૂ.1.90 કરોડના ખર્ચે નવનિર્મિત શાળા ભવનનું પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ

તા.08/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

નમો લક્ષ્મી યોજના હેઠળ માલિકા હાઈસ્કૂલની તમામ ૩૦ દીકરીઓનું સફળ રજિસ્ટ્રેશન, સુરેન્દ્રનગર જિલ્લાના માલિકા ગામ ખાતે રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક અને સુવિધાસભર નવનિર્મિત સરકારી માધ્યમિક શાળા ભવનનું લોકાર્પણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદહસ્તે ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણના માધ્યમથી સશક્ત સમાજ નિર્માણનો સંદેશ આપવાની સાથે મંત્રીશ્રીએ ગ્રામીણ વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. પોતાના જૂના સંસ્મરણો વાગોળતાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા ભાવુક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત આ જ માલિકા ગામની શાળામાં એક શિક્ષિકા તરીકે કરી હતી. તે સમયે અમદાવાદથી આવવા- જવાની વિષમ પરિસ્થિતિ અને પારિવારિક સંજોગોના કારણે નોકરી છોડવી પડી હતી, પરંતુ આજે એ જ ભૂમિ પર રાજ્યના મંત્રી તરીકે પુનઃ ઉપસ્થિત થવાનો અનન્ય આનંદ અને ગર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે, હોદ્દો ગમે તે મળે પરંતુ મારો ‘જીવ શિક્ષકનો જ છે.’ શિક્ષકનું કાર્ય બાળકોને સુનાગરિક બનાવી રાષ્ટ્રનિર્માણ કરવાનું પવિત્ર કાર્ય છે. જ્ઞાન અને શિક્ષણનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે, “બાપ-દાદાની સંપત્તિના ભાગ પડી શકે છે, પરંતુ વિદ્યારૂપી ધન અકબંધ રહે છે.” આ તકે તેમણે ડ્રોપ-આઉટ બાળકોને પુનઃપ્રવેશ યોજના હેઠળ શાળાએ પરત લાવવા અને દીકરા-દીકરી બંનેને સમાન શિક્ષણ આપી સામાજિક સંતુલન જાળવવા ગ્રામજનોને આહ્વાન કર્યું હતું. મંત્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માલિકા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા કુલ ૫૧ વિદ્યાર્થીઓ પૈકી તમામ ૩૦ દીકરીઓનું રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ૧૦૦% રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયું છે. ધોરણ ૧૨થી કોલેજ સુધીના અભ્યાસનો આર્થિક બોજ હવે વાલીઓ પર નહીં રહે. આ ઉપરાંત, ગામના બાકી રહેલા રસ્તા સહિતના વિકાસકામો પણ સત્વરે પૂર્ણ કરવાની તેમણે હૈયાધારણા આપી હતી. સાંસદ ચંદુભાઈ શિહોરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં નર્મદાના નીર, ૨૪ કલાક વીજળી, ૧૦૮ સેવા અને આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓથી થયેલા કાયાકલ્પનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે આવનારા ડિજિટલ યુગમાં બાળકો આગળ વધે તે માટે તેમને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમજ શિક્ષકોને રોજના ૧૦ મિનિટ વિદ્યાર્થીઓમાં પ્રેરણાત્મક મૂલ્યોનું સિંચન કરવા વિનંતી કરી હતી.ગામમાં જ ધોરણ ૯ અને ૧૦ શરૂ થતાં દીકરીઓને અપડાઉનની મુક્તિ ધારાસભ્ય પી. કે. પરમારે જણાવ્યું હતું કે, ગામમાં ધોરણ ૯ અને ૧૦ના વર્ગો શરૂ થવાથી દીકરીઓને બહાર ગામ જવાની હાલાકીમાંથી મુક્તિ મળી છે અને આગામી સમયમાં ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગો પણ શરૂ કરાશે. તેમણે ગામમાં થયેલા રસ્તા, બ્રિજ અને પંચાયતઘર જેવા વિકાસકામોનો ચિતાર રજૂ કર્યો હતો. શાળાની ગૌરવવંતી સિદ્ધિઓ જેમાં જૂન ૨૦૨૧માં મંજૂર થયેલી આ શાળાનું વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ સુધી સળંગ ૫ વર્ષ ધોરણ-૧૦નું પરિણામ ૮૦% થી વધુ રહ્યું છે. વિશેષ ઝુંબેશ અંતર્ગત શાળાનો ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવામાં સફળતા મળી છે. તાજેતરમાં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના ૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો