તા.08/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ભુજથી અમદાવાદ દર્દીને મુકી પરત ફરતી વખતે ગોઝારો અકસ્માત: રોડ પર આડશ વગર ઉભા રખાયેલા ટ્રકના કારણે કનુભાઈ રબારીએ જીવ ગુમાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ટોલનાકા પાસે વિરમગામ ધ્રાંગધ્રા સ્ટેટ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈ પણ પ્રકારની સુરક્ષા આડશ કે નિશાની વગર રોડની વચ્ચે ડિવાઈડર પાસે ઉભા રાખવામાં આવેલા એક ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ, મૂળ વાવ-થરાદ વિસ્તારના ભાભર તાલુકાના વજાપુર ગામના વતની અને હાલ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાગડાવાસ ગામે રહેતા કનુભાઈ રબારી ગાંધીધામ-ભુજ ખાતે ડો. ભાવિનભાઈ નાથાલાલ ઠક્કરની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ભુજથી એક ગંભીર પેશન્ટને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડીને પોતાની એમ્બ્યુલન્સ લઈને ભુજ પરત ફરી રહ્યા હતા. દરમિયાન વહેલી સવારે માલવણ ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ વચ્ચે ડિવાઈડર પાસે બેદરકારીપૂર્વક ઉભા રખાયેલા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં કનુભાઈ રબારીને માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત ચાલકને તુરંત પ્રથમ સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાઈવે પર સુરક્ષાના સાધનો કે કોઈ સંકેત વગર ઉભેલા ટ્રક ચાલકની બેદરકારીના કારણે એમ્બ્યુલન્સ ચાલકે જીવ ગુમાવવો પડતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










