તા.08/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓની કામગીરી ઠપ: અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાય, સુરેન્દ્રનગર: ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આહ્વાન પગલે સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૬થી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓની વિવિધ ૧૪ મુદ્દાની લાંબા સમયથી લટકતી માંગણીઓ અંગે સરકાર કક્ષાએ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના જણાવ્યા મુજબ, આ હડતાળના કાર્યક્રમમાં જિલ્લાની તમામ કચેરીઓના મળીને અંદાજે ૩૫૦ જેટલા વર્ગ-૩ના મહેસૂલી કર્મચારીઓ એકજૂટ થઈને જોડાયા છે. જેમાં જિલ્લા કલેક્ટર કચેરી, તમામ તાલુકાની પ્રાંત કચેરીઓ તેમજ તમામ મામલતદાર કચેરીઓના કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીઓ ખાતે ચાલતી દૈનિક મહેસૂલી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જમીન મહેસૂલને લગતા કામો, વિવિધ દાખલાઓ, નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાની વહીવટી પ્રક્રિયાઓ તેમજ વિવિધ સરકારી યોજનાકીય કામગીરી અટકી પડતાં અરજદારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહેસૂલી કર્મચારી મંડળે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્ગ-૩ના કર્મચારીઓની સેવા સંબંધિત તમામ ૧૪ મુદ્દાની માંગણીઓનું તાત્કાલિક અને હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે. જ્યાં સુધી સરકાર દ્વારા લેખિતમાં યોગ્ય ખાતરી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.










