તા.08/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ટેક્સી ચાલકો અને સ્કૂલ વાહન સંચાલકો પણ ભાવવધારાની તૈયારીમાં: સામાન્ય મુસાફરો પર આર્થિક બોજ વધ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા સીએનજી ગેસના ભાવને કારણે સ્થાનિક રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા ૪૦ દિવસમાં પાંચ વખત ભાવવધારો ઝીંકાતા અને સીએનજીના ભાવ પ્રતિ કિલો રૂ.૯૫ સુધી પહોંચી જતાં, સુરેન્દ્રનગર રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી જ જિલ્લામાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂ. ૧૦ના સ્થાને રૂ. ૨૦ કરી દેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, જોરાવરનગર, રતનપર, માળોદ સહિતના આજુ બાજુના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ સીએનજી રિક્ષા ચાલકો શટલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, છેલ્લા ૪૦ દિવસમાં સીએનજી ગેસના ભાવમાં ૫ વખત વધારો થયો છે. ઈંધણના ભાવ પ્રતિ કિલો રૂ. ૯૫ નજીક પહોંચી જતાં રિક્ષા ચલાવવી આર્થિક રીતે પરવડે તેમ ન હતી અને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેને પગલે યુનિયને સર્વાનુમતે ભાડામાં વધારો કરવાનો આખરી નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે રોજના હજારો નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ગ્રામીણ મુસાફરો શટલ રિક્ષામાં અવરજવર કરે છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરથી વઢવાણ બસ સ્ટેન્ડ સુધીનું લઘુત્તમ ભાડું રૂ. ૧૦ હતું, પરંતુ આજથી મિનિમમ ભાડું ડબલ એટલે કે રૂ. ૨૦ વસૂલવામાં આવી રહ્યું છે. અચાનક કરાયેલા આ વધારાથી રોજિંદી મુસાફરી કરતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના માસિક બજેટ પર સીધી અસર પડી છે. રિક્ષા ભાડામાં વધારો થયા બાદ હવે જિલ્લાના ટેક્સી સંચાલકો અને સ્કૂલ વાહન ચાલકો પણ ભાડા વધારા અંગે મંત્રણા કરી રહ્યા છે. સીએનજી ના વધતા ભાવને પગલે કિલોમીટર દીઠ દરો પુનઃનક્કી કરવા માટે ટેક્સી યુનિયનોની બેઠકો શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં સ્કૂલ વાહનો અને ટેક્સી સેવાના દરોમાં પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે, જેનાથી વાલીઓ અને મુસાફરો પર મોંઘવારીનો વધુ એક બોજ પડશે.









