
અરવલ્લી બચાવવા HPC સમક્ષ તમામ માઇનિંગ લીઝ બંધ કરવાની માંગ

લાલોડા ખાતે 5 માઇનિંગ લીઝ અંગે HPCએ મેળવી માહિતી, પ્રકૃતિપ્રેમીઓએ સંરક્ષણની કરી રજૂઆત
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને માઇનિંગ પ્રવૃત્તિથી થતી સંભવિત પર્યાવરણીય અસર અંગે સર્વોચ્ચ અદાલતના હુકમના અનુસંધાને ભારત સરકાર દ્વારા નિયુક્ત હાઈ પાવર કમિટી (HPC) દ્વારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી વિસ્તારમાં ફીલ્ડ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. તા. 8 અને 9 ઓક્ટોબર દરમિયાન કમિટીએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ હિતધારકોના મંતવ્યો તથા રજૂઆતો સાંભળી હતી.
ઈડર તાલુકાના લાલોડા ખાતે આશરે 8 એકર વિસ્તારમાં આવેલી પાંચ માઇનિંગ લીઝ અંગે HPC દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. માઇનિંગની કામગીરી, આસપાસના વિસ્તારની સ્થિતિ તેમજ પર્યાવરણ પર થતી સંભવિત અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન ઈડર ગઢ બચાવો સમિતિ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરનો વિસ્તાર નહીં પરંતુ વનસ્પતિ, ઘાસ, પાણીના સ્ત્રોત અને વન્યજીવોના રહેઠાણ સાથે જોડાયેલી કુદરતી સંપત્તિ હોવાનું જણાવી તેના સંરક્ષણ માટે રજૂઆત કરવામાં આવી હતી.
HPC દ્વારા માઇનિંગ પ્રવૃત્તિ અંગે ઉપસ્થિત લોકોના અભિપ્રાયો લેવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓએ તમામ માઇનિંગ લીઝ બંધ કરવાની સ્પષ્ટ માંગ કરી હતી. બીજી તરફ માઇનિંગ લીઝ ધારકો તરફથી પણ પોતાના અભિપ્રાયો અને રજૂઆતો કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
HPC દ્વારા તમામ રજૂઆતો અને અભિપ્રાયોની નોંધ લેવામાં આવી છે. હવે લાલોડા સહિતના સ્થળોની ફીલ્ડ વિઝિટ, માઇનિંગ લીઝની સ્થિતિ તથા વિવિધ હિતધારકોની રજૂઆતોના આધારે HPC દ્વારા તૈયાર કરવામાં આવનારા અહેવાલ પર સૌની નજર મંડાઈ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા










