ડાંગના અંતરિયાળ ગામોમાં ચંદરભાઈ ગાવિતનો સેવાયજ્ઞ: નવરાત્રી નિમિત્તે સાડીઓ અને ટી-શર્ટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગમાં છેલ્લા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ અવિરત: શામગહાન વિસ્તાર સહિત અનેક ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાં આપી સેવાની સરાહનીય પહેલ….

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ત્રણ ટર્મના પૂર્વ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કપડાં વિતરણનો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ તેમણે પોતાની યથાશક્તિ પ્રમાણે મહિલાઓ, વૃદ્ધાઓ અને યુવકોને કપડાંનું વિતરણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તાર સહિત લહાનબરડા, મોટાબરડા, સૂર્યાબરડા, દરાપાડા, ગુંદવહળ, મુરંબી, સુપદહાડ, નડગચોંડ, ઘોડવહળ, મોટામાળુંગા, લહાનમાળુંગા, બોંડારમાળ, માનમોડી, કાંચનપાડા, નિંબારપાડા અને હુંબાપાડા સહિતનાં ગામોમાં આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓને સાડી, વૃદ્ધ મહિલાઓને પરંપરાગત ડાંગી સાડી અને યુવકોને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કપડાં વિતરણ દરમિયાન ચંદરભાઈ ગાવિતે ગ્રામજનો અને મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગામની એકતા એ સારા સમાજના નિર્માણનો પાયો છે. સૌએ એકતાથી રહેવું જોઈએ, કારણ કે એકતામાં જ સાચી તાકાત રહેલી છે. જરૂરિયાતના સમયે રાત હોય કે દિવસ, કોઈપણ સંકટ કે મુશ્કેલીમાં તેમને યાદ કરવા અને લોકોની સેવા માટે હંમેશાં હાજર રહેવાની તેમણે ખાતરી આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોના સુખ અને દુઃખમાં તેમની સાથે ઊભા રહેવું એ જ સાચી સેવા છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ પણ ચંદરભાઈ ગાવિતની સેવાભાવનાને બિરદાવી હતી અને તેઓ સતત આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચંદરભાઈ ગાવિત છેલ્લા 12 વર્ષથી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરતા આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે લાખો રૂપિયાના કપડાંનું વિતરણ કરીને આદિવાસી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. ગામે ગામે પહોંચીને કરવામાં આવતી આ સેવા માત્ર કપડાંના વિતરણ પૂરતી સીમિત ન રહેતાં લોકો સાથે આત્મીય સંબંધો મજબૂત બનાવવાનું માધ્યમ પણ બની રહી છે. આ સેવાકીય અભિયાન દરમિયાન ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં વર્તમાન અધ્યક્ષ ચંદ્રકલાબેન નગીનભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયતની ન્યાય સમિતિનાં અધ્યક્ષ દર્શનાબેન રાજેશભાઈ બહિરમ, માજી સરપંચ ગોવિંદ સૂર્યવંશી, ભારતીય જનતા પાર્ટી ડાંગના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ ભોયે, મુરંબી ગામનાં મહિલા આગેવાન સોનીબેન સહિત સ્થાનિક આગેવાનો, વડીલો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, નવરાત્રીના પાવન પર્વે ડાંગના અંતરિયાળ ગામોમાં હાથ ધરાયેલા આ કપડાં વિતરણ કાર્યક્રમથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને સેવાભાવના સાથે સામાજિક એકતાનો સંદેશ પણ પ્રસર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો