MALIYA:માળીયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી: બાળદર્દીને પધરાવી દીધી એક્સપાયરી ડેટવાળી દવા

MALIYA:માળીયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી: બાળદર્દીને પધરાવી દીધી એક્સપાયરી ડેટવાળી દવા

માળીયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં આરોગ્ય કર્મીઓની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સરકારી દવાખાનામાં સારવાર લેવા આવતા દર્દીઓના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા મિયાણાના રહીશ સિકંદર મોવર નામના જાગૃત નાગરિક આજે પોતાના બીમાર બાળકને સારવાર અર્થે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. મેડિકલ ઓફિસર પાસે તપાસ કરાવ્યા બાદ, જ્યારે તેઓ દવા બારી પરથી દવા લેવા ગયા ત્યારે ફરજ પર હાજર ફાર્માસિસ્ટે તેમને દવા આપી હતી. સિકંદરભાઈએ જાગૃતતા દાખવીને દવા પર છાપેલી વિગતો તપાસતા માલૂમ પડ્યું હતું કે દવાની વાપરવાની મુદત (એક્સપાયરી ડેટ) વીતી ચૂકી છે. એક માસૂમ બાળકને મુદત વીતી ગયેલી દવા આપવાની આ ઘટના ભારે રોષ અને ચિંતા જન્માવે તેવી છે.

જો બાળકના પિતાએ ધ્યાન ન આપ્યું હોત અને આ દવા બાળકને આપી દીધી હોત, તો બાળકના સ્વાસ્થ્ય પર જીવલેણ આડઅસર થવાની પૂરી શક્યતા હતી. આ ઘટના બહાર આવતા જ સરકારી હોસ્પિટલની કામગીરી અને દવાઓના સ્ટોક મેનેજમેન્ટ સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દવાઓના સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવતી નથી અને આ અગાઉ પણ કેટલાય અજાણ દર્દીઓ કે અભણ લોકોને આવી એક્સપાયરી ડેટવાળી દવાઓ આપી દેવામાં આવી હોવાની આશંકા છે. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમનાર અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલ પ્રશાસન સામે મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ સિકંદર મોવર અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. જો આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો