દિલ્હીમાં આજે સીજેપીના દેખાવોને પગલે હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. સંપૂર્ણ દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવી છે. ત્યારે દેખાવો કરવા માટે જંતર મંતર તરફ આગળ વધી રહેલા લોકોની અટકાયતનો દોર પણ શરૂ થઇ ગયો છે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં 400 થી વધુ દેખાવકારોની અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે કલમ 163 લાગુ હોવાથી દિલ્હીમાં જંતર મંતર સહિત અનેક વિસ્તારોમાં ભીડ એકઠી કરવાની મનાઈ છે. આ દરમિયાન દેખાવો કરવા માટે એકઠા થનારા લોકોને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.
સીજેપીના ટોચના નેતાઓની અટકાયત બાદ હવે ડાબેરી પક્ષો જંતર મંતર પહોંચી ગયા છે. અહીં એસએફઆઈ અને લેફ્ટના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ લોકોની પણ અટકાયત કરી લીધી હતી.
રાજધાની દિલ્હીમાં આજે ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ (BJP) મુખ્યાલય નજીક ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) અને ડાબેરી પક્ષોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું છે. બીજી તરફ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સંબંધિત મુદ્દાઓને લઈને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પણ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા પાયે પ્રદર્શનનું આહ્વાન કરાતા સુરક્ષા ચાંપતી કરી દેવાઈ છે.
અભિજિત દીપકે સહિત વિવિધ સીજેપી નેતાઓની અટકાયત બાદ એક પ્રિ-રેકોર્ડેડ વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિજિત દીપકે કહે છે કે મારી અટકાયત બાદ સીજેપીના આંદોલનનું નેતૃત્વ અજિંક્યા શિંદે કરશે.
સીજેપી નેતા અભિજિત દીપકે આજે દિલ્હી માટે રવાના થયા ત્યાં દેખાવો શરૂ ન કરી શક્યા. કેમ કે પ્લેનમાંથી ઉતરતા પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સૌની વચ્ચે દીપકે માટે એક દુઃખદ સમાચાર એ આવ્યા હતા કે તેમના દાદીનું નિધન થઈ ગયું છે.











