MORBI:મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


“એઈમ્સ એ દેશનું પ્રથમ નંબરનું આરોગ્ય મંદિર છે. કેન્દ્ર સરકારના પ્રયાસોથી દેશભરમાં હાલ ૨૫ જેટલી એઈમ્સ કાર્યરત થઈ”
– સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલા
“સરકાર દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ પામેલી રાજકોટ એઈમ્સના કારણે કચ્છ સૌરાષ્ટ્રના લોકો માટે આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે જ ઉપલબ્ધ બની”એઈમ્સના ડાયરેક્ટરશ્રી સી.એન. દોરાઈરાજન
એઈમ્સના ૪૫ થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ એ પૂરી પાડી તબીબી સેવાઓ; હજારો નાગરિકોએ લીધો આરોગ્ય નિદાન-સારવારનો લાભ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફળ સેવાકાર્યની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ એઈમ્સ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબીની મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ એઈમ્સ (AIIMS) ના સભ્ય અને રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાના સુચારુ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એઈમ્સ-રાજકોટના આશરે ૪૫ થી વધુ વિવિધ રોગોના નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ એ ઉપસ્થિત રહી મોરબી શહેર અને જિલ્લાના હજારો નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રોગ નિદાન, જરૂરી દવાઓ અને તબીબી સલાહ-સારવારની સેવાઓ પૂરી પાડી હતી.
આ પ્રસંગે રાજકોટ એઈમ્સના સભ્ય અને સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, “એઈમ્સ (AIIMS) એ દેશનું પ્રથમ નંબરનું આરોગ્ય મંદિર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં હાલ ૨૫ જેટલી એઈમ્સ કાર્યરત થઈ છે, જે પૈકી રાજકોટ એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ તેમજ દવાઓ સહેલાઈથી પહોંચી શકે તેવા આશયથી રાજકોટ એઈમ્સ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો આ પાંચમો કેમ્પ છે. ભવિષ્યમાં પણ છેવાડાના લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી રહે તે માટે આવા કેમ્પ સતત યોજાતા રહેશે.”
તેમણે આરોગ્ય મહાયજ્ઞને સફળ બનાવવા બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્ર, એઈમ્સની તબીબી ટીમ તેમજ સહયોગી સંસ્થાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ એઈમ્સના ડિરેક્ટરશ્રી સી.એન. દોરાઈરાજને જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ગંભીર બીમારીઓની સારવાર માટે અગાઉ અમદાવાદ કે વડોદરા સુધી લંબાવવું પડતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ પામેલી રાજકોટ એઈમ્સના કારણે આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે જ ઉપલબ્ધ થઈ છે. એઈમ્સ ખાતે કેન્સરનું નિદાન અને સારવાર સહિતની અત્યાધુનિક તબીબી સુવિધાઓ કાર્યરત છે.” વધુમાં તેમણે તમામ નાગરિકોને નિઃશુલ્ક સારવાર માટે ‘આયુષ્માન કાર્ડ’ કઢાવી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન મોરબી મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા, વાંકાનેરના મહારાણી સાહેબ, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, મહાનગરપાલિકા કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, મયુર હોસ્પિટલના સંચાલકશ્રી મનહરસિંહ જાડેજા, મહંતશ્રી દામજી ભગત તથા વહીવટી તંત્ર તથા એઈમ્સના નિષ્ણાત તબીબો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












