વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

છેલ્લા બે દાયકાથી બિસ્માર માર્ગનું રૂ. ૩.૫૦ લાખના ખર્ચે ડામર માર્ગનું કામ પૂર્ણ થતાં ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને મોટી રાહત
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વડબારી ફળિયાથી હેલિપેડ થઈ મનપુર ગામ સુધી જતો રસ્તો આશરે બે દાયકા બાદ બનતાં સ્થાનિક ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગને કારણે ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આખરે રસ્તાનું કામ પૂર્ણ થતાં સ્થાનિકોની લાંબા સમયની સમસ્યાનો અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ, વડબારી ફળિયાથી હેલિપેડ થઈ મનપુર ગામ તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે રોજિંદી અવરજવર કરતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સદસ્ય હસમુખભાઈ શર્મા સમક્ષ નવા રસ્તા માટે રજૂઆત કરી હતી. ગ્રામજનોની મુશ્કેલીઓને ગંભીરતાથી લઈ હસમુખભાઈ શર્માએ ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ અને ઉપસરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા સમક્ષ સમગ્ર પરિસ્થિતિ રજૂ કરી હતી. ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે દિશામાં રજૂઆત કરવામાં આવી હતી. રસ્તાની સમસ્યાના ઉકેલ માટે સરપંચ ગુલાબભાઈ પટેલ અને ઉપસરપંચ હેમાબેન શર્મા દ્વારા તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પરિણામે વર્ષ ૨૦૨૫-૨૬ની નાણાપંચની ગ્રાન્ટમાંથી રસ્તાના કામ માટે રૂ. ૩,૫૦,૦૦૦ની રકમ ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટની મદદથી રસ્તાનું કામ પૂર્ણ થતાં હવે સ્થાનિકોને અવરજવરમાં મોટી રાહત મળી છે.
આશરે ૨૦ વર્ષથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનો માટે આ માર્ગનું નિર્માણ રાહતરૂપ બન્યું છે. લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાનો ઉકેલ આવતાં ગ્રામજનોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વોર્ડ સભ્ય હસમુખલાલ શર્મા, ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ, ઉપસરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









