
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ રોડ પર સાલપુરા ગામ નજીક કુકણા ગામથી વડોદરા તરફ રેતી ભરીને જઈ રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રકના પાછળના એક્સેલમાં ખામી સર્જાતાં પાછળનાં ટાયર નીકળી ગયાં હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રકમાં આગ લાગતાં રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાંથી કાળા ધુમાડા નીકળતાં દૂર-દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો, જેના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં બોડેલી બજાર સમિતિની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પ્રથમ વખત આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, થોડા સમય બાદ આગ ફરી ભભૂકી ઊઠતાં ફાયર બ્રિગેડની ટીમને બીજી વખત ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી. ફાયર ટીમે ફરી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. રેતી ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા ફેલાઈ હતી. સદનસીબે, સમયસર ફાયર બ્રિગેડની કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

રિપોર્ટર તોસીફ ખત્રી









