વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ખાતે ચિંતન શિબિર યોજાઈ, પડતર પ્રશ્નોના ઉકેલ માટે આગામી રણનીતિ ઘડાઈ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે વનરક્ષક-વનપાલ કર્મચારીઓની ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમગ્ર ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓએ રાજ્યકક્ષા અને જિલ્લાકક્ષાના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો હતો.
ચિંતન શિબિર દરમિયાન કર્મચારીઓએ ખાખી પેન્ટ સાથે કાળા શર્ટ અને ટી-શર્ટ પહેરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ ન આવતાં કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કર્મચારીઓએ એકત્ર થઈ પોતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી અને આગામી સમયમાં આંદોલનને કઈ દિશામાં આગળ વધારવું તે અંગેની રણનીતિ તૈયાર કરી હતી.
વિરોધ દરમિયાન કર્મચારીઓએ “દરખાસ્ત નહીં, ભથ્થું આપો” અને “વાયદા નહીં, રજા પગાર આપો” જેવા સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કર્મચારીઓએ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અને આપેલા વચનોનો અમલ કરવા તરફ ધ્યાન દોર્યું હતું.
આહવા ખાતે યોજાયેલી આ ચિંતન શિબિર દ્વારા ડાંગ જિલ્લાના વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ પોતાની માંગણીઓ પ્રત્યેની એકતા અને મક્કમતા દર્શાવી હતી. હવે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે અને આગામી સમયમાં આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.









