વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’ (VSSE)નો પ્રારંભ નવસારી ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રકારનાં પ્રદર્શનો વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન તથા અંતરિક્ષ સંશોધન પ્રત્યે રસ અને જિજ્ઞાસા જગાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.
પ્રદર્શનમાં ઇસરો દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ અંતરિક્ષ મિશનોની માહિતી, ‘સ્પેસ ઓન વ્હીલ્સ’, રોકેટ લોન્ચિંગનું લાઇવ પ્રદર્શન તેમજ વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માધ્યમથી વિદ્યાર્થીઓને ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ વિશે જાણકારી મળશે અને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા મળશે.
ત્રણ દિવસ દરમિયાન અંદાજે 8થી 10 હજાર વિદ્યાર્થીઓ આ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શાળાઓના આચાર્યોને વિદ્યાર્થીઓને પ્રદર્શન નિહાળવા માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, ભૂરાભાઈ શાહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીમાં યોજાયેલું આ અંતરિક્ષ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓ માટે ઇસરોની કામગીરીને નજીકથી જાણવાની તેમજ ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓથી પ્રેરણા મેળવવાની એક મહત્વપૂર્ણ તક બની રહેશે.









