WAKANER:વાંકાનેર નવા ઢુવા પાસે ‘ઓમ સાંઈ સ્પા’માં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન નવા ઢુવા ચોકી પાસે આવેલી ભવાની હોટેલની બાજુમાં કાર્યરત ‘ઓમ સાંઈ સ્પા’ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો મામલો સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, સ્પા સંચાલક દ્વારા ત્યાં કામ કરતી મહિલા કે અન્ય સ્ટાફ વર્કર્સના નિયમ મુજબ બાયોડેટા ફોર્મ ભરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત સ્પામાં સીસીટીવી કેમેરા અને તેના યોગ્ય રિકોર્ડિંગ રાખવા અંગે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશોનું પણ કોઈ પાલન કરવામાં આવ્યું નહોતું.
પંચોની રૂબરૂમાં નિયમોનું ઉલ્લંઘન સાબિત થતાં, વાંકાનેર તાલુકા પોલીસે સ્પા સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.












