વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
કન્યા સશક્તિકરણના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ સંગીતમય ગરબે રમઝટ બોલાવી; વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયાં.
નખત્રાણા,તા-૧૨ ઓક્ટોબર : સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે ‘શક્તિ રૂપેણ સંસ્થિતા’થીમ હેઠળ કન્યા સશક્તિકરણના ઉમદા સંદેશ સાથે નવલી નવરાત્રિની ભક્તિભાવપૂર્ણ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.નવરાત્રિની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, માતૃશક્તિ પ્રત્યે આદર, કન્યા સશક્તિકરણ અને સામૂહિક એકતાના મૂલ્યોને ઉજાગર કરવાનો મૂળ હેતુ રહેલ હતો.કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ નિરોણા ગામના સરપંચ એન.ટી.આહિર, તાલુકા પંચાયતના સદસ્ય જશાભાઈ આહિર, આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મા શારદા અને મા ભારતીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સંગીતમય ગરબાના તાલે વિદ્યાર્થીઓએ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક મા શક્તિની આરાધના કરી હતી.ગરબા સ્પર્ધામાં વિવિધ વર્ગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌનાં મન મોહી લીધાં હતાં. ગરબા સ્પર્ધાના વિજેતા છોકરાઓમાં પ્રથમ ક્રમે ભાનુશાલી પૃથ્વી, દ્વિતીય ક્રમે ભાનુશાલી અમન અને તૃતીય ક્રમે કેવર સાહિલ રહ્યા હતા.છોકરીઓમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે માતા પાર્વતી, દ્વિતીય ક્રમે નઝાર હર્ષિદા અને તૃતીય ક્રમે સોઢા સંધ્યાબાએ સ્થાન મેળવ્યું હતું.છોકરીઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે આહિર જાનવી, દ્વિતીય ક્રમે આહિર ક્રિષ્ના અને તૃતીય ક્રમે આહિર હેતલ પી. વિજેતા બન્યાં હતાં.વિજેતાઓને સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, આચાર્ય,દાતાઓ અને મહેમાનોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડૉ. નિકુલ ગજરા દ્વારા સૌ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇનામના દાતા પ્રવિણભાઇ વીરા (મુંબઈ), મંડપના દાતા સલીમભાઈ ચાકી તથા પાણીના સહયોગી અજીતસિંહ સોઢાનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કચ્છના જાણીતા કલાકાર પ્રકાશભાઈ શુક્લા, પૂર્ણિમાબેન શુક્લા અને દિવ્યાબેને સેવા આપી હતી. નિર્ણાયકોને સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા રોગાન કલા ફ્રેમ આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન વોરાએ કર્યું હતું,જ્યારે આભારવિધિ અલ્પેશ જાનીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.










