આજના આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાના ઉમદા ઉદ્દેશ સાથે મેંદરડાની કૃષ્ણ નગર સોસાયટીમાં છેલ્લા ૪૨ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઈ.સ.૧૯૮૪થી શરૂ થયેલી આ પ્રાચીન ગરબી આજે પણ પોતાની આગવી ઓળખ અને પરંપરાને જાળવી રાખી છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં માત્ર નાની બાળાઓ જ પરંપરાગત સાડી પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આધુનિકતાના આ સમયમાં પણ બાળાઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં રાસ-ગરબા રમવાની આ અનોખી પરંપરા હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાને ઉજાગર કરે છે. આ ગરબીમાં પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાની રમઝટ જોવા મળે છે. નાની બાળાઓ જ્યારે પરંપરાગત અંદાજમાં રાસ-ગરબા રમે છે ત્યારે જાણે સાક્ષાત્ મા જગદંબા ધરતી પર પધારીને રાસ રમી રહ્યાં હોય તેવો દિવ્ય અને ભક્તિમય માહોલ સર્જાય છે. બાળાઓની મનમોહક રજૂઆત નિહાળીને શ્રદ્ધાળુઓ અને દર્શકો મંત્રમુગ્ધ બની જાય છે. કૃષ્ણ નગર સોસાયટીની આ ગરબી માત્ર ધાર્મિક આયોજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવી પેઢીમાં સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાનું સિંચન કરતું એક સુંદર માધ્યમ પણ બની છે. ગરબીના આયોજકો દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરવા દરરોજ વિવિધ લહાણી આપવામાં આવે છે, જ્યારે દશેરાના પવિત્ર દિવસે બાળાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે. આમ, મેંદરડાની કૃષ્ણ નગર સોસાયટીની ૪૨ વર્ષ જૂની આ પ્રાચીન ગરબી નવરાત્રીની ઉજવણી સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








