♦જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન સેમિનારમાં સંતરામપુરની વિદ્યાર્થિનીઓની પર્યાવરણલક્ષી વૈજ્ઞાનિક પહેલ

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નીરજા એજ્યુકેશન કેમ્પસમાં યોજાયેલા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ–2026ના સેમિનારમાં સંતરામપુર તાલુકનીશ્રી નવદુર્ગા માધ્યમિક શાળા, ભંડારાની ધોરણ-9ની વિદ્યાર્થિનીઓ ચમાર સોનલબેન મુકેશભાઈ અને તાવિયાડ ધર્મિષ્ઠાબેન ભરતભાઈએ પર્યાવરણ સંરક્ષણને લગતો નવીન વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કરી સરાહનીય કામગીરી કરી છે.
વિદ્યાર્થિનીઓએ “જૂના છાપામાંથી ઇકો-ફ્રેન્ડલી પેપર બેગ: પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારવાનો ટકાઉ ઉપાય” વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. “ટકાઉ જીવન માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” મુખ્ય વિષય તથા “R5 for Waste Management” પેટાવિષય અંતર્ગત રજૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં જૂનાં છાપાંનો પુનઃઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ કાગળની થેલીઓ બનાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા, કચરાના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં શાળાનાં વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી નિરાલીબેન ચૌધરીએ માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આદિજાતિ વિસ્તારની દીકરીઓએ વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ સાથે કરેલો આ પ્રયાસ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમની આ પહેલ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને દૃઢ સંકલ્પથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ પણ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.
વિદ્યાર્થિનીઓની આ પ્રેરણાદાયી કામગીરીને બિરદાવતાં શાળા પરિવાર તથા શાળા સંચાલક મંડળે બંને વિદ્યાર્થિનીઓ અને માર્ગદર્શક શિક્ષિકાને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
“દીકરીઓની વૈજ્ઞાનિક વિચારધારા, પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ અને ટકાઉ ભવિષ્ય તરફ એક સરાહનીય પગલું!”









