વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકતધારકોને બાકી વેરો સમયસર ભરવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે 31 ઓક્ટોબર, 2026 સુધીમાં બાકી વેરો નહીં ભરનારને 1 નવેમ્બરથી બાકી રકમ પર 18 ટકા પેનલ્ટી ચૂકવવી પડશે. શહેરના રહેણાક મકાનો, દુકાનો અને કોમર્શિયલ મિલકતોના માલિકોને મિલકત વેરા સહિત અન્ય બાકી વેરાની ચુકવણી સમયમર્યાદામાં કરવા જણાવાયું છે. વેરો ભરવા માટે છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા વહેલી તકે બાકી રકમની વિગતો મેળવી ચુકવણી કરવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉથી વેરો બાકી ધરાવતા મિલકતધારકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ પણ વેરો નહીં ભરવામાં આવે તો બાકીદારોનાં પાણી અને ડ્રેનેજ લાઇનનાં કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ નાગરિકોને સમયસર વેરો ભરી વધારાની પેનલ્ટીથી બચવા અને શહેરની સ્વચ્છતા, પાણી પુરવઠો, ડ્રેનેજ તથા વિકાસકાર્યોમાં સહયોગ આપવા અપીલ કરી છે.








