કેશોદના માંગરોળ રોડ પર આવેલા કે.ડી. ગ્રાઉન્ડ ખાતે પુરુષોત્તમ લાલજી ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે રાસવિલાસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રારંભ પ્રસંગે ધાર્મિક માહોલ વચ્ચે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી હતી. વધુમાં એકતાબેન ગજેરાના જણાવ્યા અનુસાર, મહોત્સવના પ્રારંભે બ્રહ્માકુમારી સેન્ટરનાં બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીની આરતી ઉતારી મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રાસવિલાસ નવરાત્રી મહોત્સવમાં જૂનાગઢ મોટી હવેલીના પિયુષ બાવાએ ઉપસ્થિતિ આપી હતી. મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે એકતાબેન ગજેરાએ જાહેર કર્યું હતું કે, રાસવિલાસ નવરાત્રી મહોત્સવ દરમિયાન થનારી તમામ આવક પુરુષોત્તમ લાલજી ગૌશાળામાં ગૌસેવા માટે અર્પણ કરવામાં આવશે. આમ, નવરાત્રીના ધાર્મિક ઉત્સવની સાથે ગૌસેવાના ઉમદા હેતુને જોડીને સેવા કાર્યનો સંદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 









