MORBI:મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવકોને બલેનોએ ઉડાવ્યા: અકસ્માત સર્જી ચાલક ફરાર

માતાના મઢેથી દર્શન કરી પરત ફરતી વખતે વહેલી સવારે નડ્યો અકસ્માત
ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે કે.કે. હોટલ નજીક સાઈડમાં ઊભેલી સ્વિફ્ટ કારને પૂરપાટ ઝડપે આવેલી બલેનો કારે જોરદાર ટક્કર મારી હતી. કારમાં પંચર પડતાં નીચે ઊતરીને હવા ભરી રહેલા બે યુવકોને અડફેટે લેતાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ બલેનો કારનો ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ખાતે રહેતા રાહુલભાઈ કિરણભાઈ સવાસડિયા તથા નાના ઇટાળા ગામના ચેતનસિંહ ગુલાબસિંહ જાડેજા કચ્છના લખપત સ્થિત આશાપુરા માતાજીના મઢે દર્શન કરીને સ્વિફ્ટ કાર (GJ-03-EM-4004) મારફતે પરત ફરી રહ્યા હતા. ગત તા. ૧૧ ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યાની આસપાસ મોરબી નજીક ભરતનગર પાસે પહોંચતાં તેમની કારનું ટાયર પંચર પડ્યું હતું.તેથી બંને યુવકોએ કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરી વ્હીલમાં હવા ભરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે પૂરઝડપે અને બેફિકરાઈથી ધસી આવેલી બલેનો કાર (GJ-04-EP-2419) ના ચાલકે સ્વિફ્ટ કાર તેમજ બંને યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરથી રાહુલભાઈને જમણા હાથમાં જ્યારે ચેતનસિંહને ડાબા હાથે તથા છાતીના ભાગે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચી હતી અને સ્વિફ્ટ કારને પણ ભારે નુકસાન થયું હતું.અકસ્માત બાદ બલેનો ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. બનાવના પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ રાહુલભાઈ સવાસડિયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બલેનો કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













