TANKARA:ટંકારાના વીરપર નજીક ‘ઓ.આર. પટેલ માર્ગ’ પર મુકાયેલું બેરિકેટ આઇસર ટ્રકની ટક્કરે તૂટ્યું: અકસ્માત કે જાણીજોઈને કરાયેલી હરકત?


ટંકારા તાલુકાના વીરપર ગામથી લીલાપર તરફ જતા નવનિર્મિત ‘ઓ.આર. પટેલ માર્ગ’ પર આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વીરપર ગામની અંદરથી ભારે વાહનો પસાર ન થાય અને ગ્રામજનોને ટ્રાફિક કે અકસ્માતનો સામનો ન કરવો પડે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં લોખંડનું ઊંચાઈ નિયંત્રક બેરિકેટ (હાઈટ બેરિયર) લગાવવામાં આવ્યું હતું. જોકે, આજે એક આઇસર ટ્રક આ બેરિકેટમાં ભરાઈ જતાં તે ધડાકાભેર તૂટી પડ્યું હતું.
ગામમાં ભારે વાહનોનો પ્રવેશ રોકવા મૂકાયું હતું બેરિકેટ – સ્થાનિક લોકોની સુરક્ષા અને ગામના આંતરિક માર્ગોને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ માર્ગ પર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેટ ઊભું કરાયું હતું. તેમ છતાં, આઇસર ચાલકે વાહન અંદર ઘુસાડવાનો પ્રયાસ કરતાં વાહનનો ઉપરનો ભાગ બેરિકેટ સાથે અથડાયો હતો અને મજબૂત બેરિકેટ ધરાશાયી થઈ ગયું હતું.

અજાણતા બની ઘટના કે નિયમોનો ઉલાળિયો? – આ ઘટના બાદ સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. આઇસર ચાલકને આટલું મોટું બેરિકેટ નજરે ન ચડ્યું કે પછી જાણીજોઈને ગામમાંથી શોર્ટકટ લેવાના ચક્કરમાં નિયમો નેવે મૂકીને વાહન હંકારી દેવાયું? આ બાબત હાલ તપાસનો વિષય બની છે.

હવે તંત્ર દ્વારા આ મામલે સીસીટીવી કે અન્ય પુરાવાઓના આધારે શું તપાસ હાથ ધરાય છે અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર આઇસર ચાલક સામે શું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ છે.













