MORBI:માનવતાનું ઉત્તમ ઉદાહરણ: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

મોરબી:સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેતી સંસ્થા ‘લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી’ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ક્લબ દ્વારા સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા એક દિવ્યાંગ વ્યક્તિને આત્મનિર્ભરતા બક્ષવા માટે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટ્રાયસિકલના સહારે શેરી-મહોલ્લામાં હરીફરી શકે, કુટુંબીજનો તેમજ સ્વજનોને મળી શકે, સમાજ જીવનમાં સક્રિય રહી શકે અને પોતાના નાના-મોટા રોજગાર કે ધંધામાં સરળતાથી આગળ વધી શકે.
આ ટ્રાયસિકલ દાતા સ્વ. ચંદ્રિકાબેન પ્રભુભાઈ પડસુબિયાની પુણ્યસ્મૃતિમાં તેમના પરિવારજન પંકજભાઈ પ્રભુભાઈ પડસુબિયાના હસ્તે અને પ્રેરક ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી હતી.
શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર (ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી) ખાતે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ડી.સી. લા. કેશુભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા તથા લા. રાજુભાઈ મણવર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ માનવીય પહેલ બદલ ઉપસ્થિત સૌએ દાતા પરિવાર તેમજ લાયન્સ ક્લબની કામગીરીને બિરદાવી હતી, તેમ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.













