રાષ્ટ્રીય એકતા દિવસ-2026માં વિશેષ આકર્ષણ : દેશની વિવિધ નદીઓનાં નામે બનશે ખાસ બેઠક વ્યવસ્થા

એકતાનગરમાં સરદાર સાહેબની 151મી જન્મજયંતીની ઉજવણીમાં 25 હજાર નાગરિકો એકતાના મહાપર્વના સાક્ષી બનશે
રાજપીપલા : જુનેદ ખત્રી
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આગામી 31મી ઓક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમ વખત સાંજના સમયે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દેશભરમાંથી અંદાજે 25 હજાર નાગરિકો સહભાગી બનશે. વીવીઆઈપી મહાનુભાવોથી લઈને સામાન્ય નાગરિકો સુધીના સહભાગીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ રાષ્ટ્રીય મહાપર્વમાં બેઠક વ્યવસ્થાની વિશેષ સંકલ્પના આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ વર્ષની બેઠક વ્યવસ્થામાં દેશની વિવિધ નદીઓનાં નામનો ઉપયોગ કરીને ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ આપવામાં આવશે. ભારતની નદીઓ માત્ર જળસ્રોત જ નહીં, પરંતુ દેશની સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને જનજીવનની જીવંત ધારા છે. આ નદીઓનાં નામ સાથે બેઠક વ્યવસ્થાને સાંકળીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દેશની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને એકસૂત્રમાં પરોવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બેઠક વ્યવસ્થામાં યમુના, ગંગા, ગોદાવરી, બ્રહ્મપુત્રા, ઓરસંગ, વાત્રક, નર્મદા, મહિ, સરયુ, તાપી, શિપ્રા, સરસ્વતી, ગોમતી, કરજણ, સાબરમતી, મચ્છુ, તાપી, પૂર્ણા, વિશ્વામિત્રી, અંબિકા, ભાદર અને બિયાસ સહિતની નદીઓનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડની બંને બાજુ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ગુજરાતની નર્મદા, તાપી, મહિ, સાબરમતી, ઓરસંગ, કરજણ, વિશ્વામિત્રી, અંબિકા, ભાદર અને મચ્છુ જેવી નદીઓનાં નામનો સમાવેશ ગુજરાતની નદી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. દેશના વિવિધ પ્રદેશોમાં વહેતી નદીઓનાં નામે તૈયાર થનારી આ વ્યવસ્થા વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાની ભાવનાને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરશે.
એકતાનગર ખાતે યોજાનાર આ ભવ્ય આયોજનમાં સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્ન, રાષ્ટ્રીય એકતા અને સામૂહિક સંકલ્પની ભાવનાને ઉજાગર કરવામાં આવશે. દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા નાગરિકો એક જ સ્થળે એકત્રિત થશે. આમ, રાષ્ટ્રીય એકતા દિવસ-2026માં નદીઓનાં નામ આધારિત બેઠક વ્યવસ્થા કાર્યક્રમની આયોજનબદ્ધતા સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને પણ વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરશે









