વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ખેલકુદ ક્ષેત્રે ડાંગ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ફરી એકવાર રાજ્ય સ્તરે પોતાની સક્ષમતા સિદ્ધ કરીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. નડિયાદ ખાતે આયોજિત ‘રાજ્યકક્ષાની એથલેટિક્સ સ્પર્ધા’માં ડાંગ જિલ્લાની માલેગામ સ્થિત ‘સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર’ માલેગામના હોનહાર ખેલાડી જીગરભાઈ મધુભાઈ ગવળીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૫૦૦૦ મીટર રેસ વોક સ્પર્ધામાં પ્રથમ ક્રમ (સુવર્ણ પદક) પ્રાપ્ત કરીને શાળા તથા ડાંગ જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.
જીગર ગવળીની આ ભવ્ય સફળતા બદલ શાળા પરિવાર અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના સ્થાપક પરમ પૂજ્ય પી. પી. સ્વામીજી, ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી અલકેશભાઈ પટેલ, શાળાના આચાર્યા જાગૃતિબેન ડી. સાવંત, શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષક વિરલભાઈ ટંડેલ તથા કોચ પરેશભાઈ ગાવીતે વિજેતા ખેલાડી જીગરભાઈને મોં મીઠું કરાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર ડાંગ જિલ્લો અને શાળા પરિવાર ખેલાડી જીગરભાઈ મધુભાઈ ગવળીની આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય તથા આગામી સ્પર્ધાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે..










