MORBI:બોગસ હાજરી બાદ મોરબી મનપામાં વધુ એક ભ્રષ્ટાચાર: બંધ પેઢી અને ચેડાં કરેલા બિલો પાસ કરાવી ઉચાપતનો પ્રયાસ

પંચર રિપેરિંગના ₹૧,૫૦૦ અને ૧,૦૦૦ નંગ ગ્લાસના ₹૧૦,૭૦૦ દર્શાવી ઉચાપતનો પ્રયાસ – રાજકોટની બંધ પેઢીના બિલો પણ મુકાયા હોવાનો ઘટસ્ફોટ; – અધિકારીઓની મંજૂરી પર ઉઠ્યા સવાલોGPMC એક્ટની કલમ ૧૦૬ હેઠળ ચીફ ઓડિટરને તમામ શાખાઓના બિલોની તપાસના આદેશ
મોરબી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની વધુ એક ગંભીર કડી સામે આવી છે. બોગસ હાજરી કાંડ બાદ હવે વર્કશોપ સહિતની વિવિધ શાખાઓમાં મંજૂર થયેલા બિલોમાં આંકડાકીય ચેડાં કરી લાખો રૂપિયાની ઉચાપત કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓ દ્વારા દુકાનદારોએ આપેલા અસલ બિલમાં આગળ આંકડા ઉમેરી પ્રજાના ટેક્સના નાણાં ખંખેરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું હોવાની વિગતો બહાર આવી છે.

મળતી વિગતો મુજબ, વર્કશોપ શાખામાં વાહનોના પંચર રિપેરિંગના ₹૫૦૦ ના બિલમાં છેડછાડ કરી ₹૧,૫૦૦ કરી દેવાયા હતા. આટલું જ નહીં, ૧,૦૦૦ નંગ ગ્લાસના ખરીદ બિલમાં ₹૭૦૦ ની આગળ ‘૧૦’ ઉમેરી સીધા ₹૧૦,૭૦૦ નું તોતિંગ બિલ મંજૂર કરાવી લેવાયું હતું. પ્રાથમિક તપાસમાં રાજકોટની બંધ થઈ ગયેલી પેઢીના નામે પણ બિલો રજૂ કરાયા હોવાનું ખૂલ્યું છે. નીચેના સ્તરના કર્મચારીઓએ બનાવેલા આ બોગસ અને છેડછાડવાળા બિલો ઉપરી અધિકારીઓની નજર હેઠળથી કેવી રીતે પાસ થઈ ગયા તે અંગે પણ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
નાણાકીય સત્તા અને ઉચ્ચ સ્તરીય તપાસ – મનપાની નવી રચના બાદ શાખાધિકારીઓને ₹૫૦,૦૦૦ સુધીના ખર્ચ મંજૂર કરવાની સત્તા અપાઈ હતી. જ્યારે ₹૨ લાખ સુધી સિટી એન્જિનિયર, ₹૩ લાખ સુધી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) અને તેનાથી વધુ રકમના બિલ કમિશનર કક્ષાએથી મંજૂર કરવાની જોગવાઈ છે. આ સત્તાઓનો દુરુપયોગ થયાની શંકાના આધારે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ ૧૦૬ હેઠળ ચીફ ઓડિટરને તમામ શાખાઓના ₹૫૦,૦૦૦ સુધીના તેમજ શંકાસ્પદ તમામ બિલોની ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ અપાયા છે.
બોગસ હાજરી બાદ બિલ કાંડથી તંત્ર હરકતમાં – નોંધનીય છે કે આ અગાઉ પાલિકામાં ગેરહાજર કર્મચારીઓની અન્ય વ્યક્તિ દ્વારા હાજરી પૂરી નાણાં મેળવવાનું બોગસ હાજરી કૌભાંડ સામે આવ્યું હતું, જે મામલે હાલ પોલીસ ફરિયાદ (FIR) દાખલ થઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે. હવે આ નવા કાંડ બાદ ચીફ ઓડિટર, સિટી એન્જિનિયર અને એકાઉન્ટન્ટને બિલોની ૧૦૦% ચકાસણી (સ્ક્રૂટિની) કર્યા બાદ જ આગળ મોકલવાની કડક તાકીદ કરાઈ છે. મનપામાં મંજૂર થયેલા ૩૧૯ કાયમી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.તપાસ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે: ડેપ્યુટી કમિશનર – મોરબી મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, “બિલોના આંકડામાં ફેરફાર કરી રકમ વધારી મંજૂર કરાવવામાં આવી હોવાની બાબત ધ્યાને આવી છે. હાલ તમામ બિલોની તપાસ ચાલી રહી છે. ચીફ ઓડિટરનો વિગતવાર તપાસ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કર્મચારી કે દોષિત સામે આવશે તેમની સામે સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી કડક કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.”














