MORBI:મોરબી મહાનગરપાલિકાની લાલ આંખ: મનપા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગો પરથી ૩,૮૮૫ રખડતા પશુ પકડાયા

ચાલુ સપ્તાહે વધુ ૩૫ પશુઓ ડબ્બે પુરાયા; ૨,૯૨૦ પશુઓનું RFID ટેગિંગ પૂર્ણ
પશુપાલકો અને શ્વાન માલિકોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા તંત્રની અપીલ
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા અને અકસ્માત નોતરતા રખડતા ઢોર સામે મનપાની ANCD (Animal Nuisance Control Department) શાખા દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા પછીથી આજદિન સુધીમાં શહેરના વિવિધ માર્ગો પરથી કુલ ૩,૮૮૫ રખડતા પશુઓને પકડી પાડવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ તંત્ર દ્વારા જાહેર માર્ગો પરથી ૩૫ પશુઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા આ તમામ પશુઓને મોરબી જિલ્લા તથા આસપાસની ગૌશાળા, નંદીઘર તેમજ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી ૬૦૦થી વધુ પશુઓને અન્ય જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે સ્થળાંતરિત કરાયા છે.
લાયસન્સ અને પરમિટની કામગીરી:શહેરમાં પશુપાલન અને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયમન જળવાઈ રહે તે માટે ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં:૩૦૬ પશુપાલકોને નવા લાયસન્સ અપાયા છે, જ્યારે ૪૫ લાયસન્સ રિન્યૂ કરાયા છે.ઘાસચારાના વેચાણ માટે ૩૪ લોકોને નવી પરમિટ અને ૪ પરમિટ રિન્યૂ કરી આપવામાં આવી છે.શ્વાન પાળકો માટે ૪૯ પેટડોગનું નવું રજિસ્ટ્રેશન થયું છે અને ૧૦ ડોગ લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે.૨,૯૨૦ પશુઓનું RFID ટેગિંગ સંપન્ન:પશુઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨,૯૨૦ પશુઓમાં RFID અને ટેગિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુપાલકોને પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પણ નિયમ મુજબ નોંધણી કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ અને RFID ટેગિંગની કામગીરી વધુ સઘન રીતે ચાલુ રહેશે તેમ જણાવાયું છે.














