પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં પેશાવરમાં એક ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં એક સ્કૂલ ટીચર સહિત લગભગ 16 જેટલાં બાળકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘટના પેશાવરના દિર કોલોનીમાં સર્જાઈ હતી. કેપિટલ સિટી પોલીસી ઓફિસર ડૉ. મિયા સઈદે આ દુર્ઘટના વિશે જાણકારી આપી હતી. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કાટમાળમાં ફસાયેલા બાળકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામનારા બાળકોની વય લગભગ 13 વર્ષની આજુબાજુ જ છે. જ્યારે તેમને ભણાવી રહેલ ટીચરનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આ તમામ લોકોને કાટમાળ હટાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે હજુ પણ 40થી વધુ બાળકો છે જેમની સારવાર ચાલી રહી છે.











