યોગેશ કાનાબાર

જેતપુરના ખારચીયા ગામે સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો : એલસીબીના હાથે પાંચ શખ્સો ઝડપાયા

જેતપુરના ખારચીયા ગામ પાસે MBIT એનર્જીના પ્લાન્ટમાંથી 16 હજાર મીટર કેબલની ચોરી; LCBએ રૂ. 21.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, અન્ય સોલાર પ્લાન્ટમાં ચોરી કર્યાની પણ કબૂલાત
રાજકોટ : રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકાના ખારચીયા ગામ પાસે આવેલા ‘એમબીટ એનર્જી પ્રા. લિ.’ના સોલાર પ્લાન્ટમાંથી રૂ. 12.48 લાખની કિંમતના સોલાર DC કેબલના 16 ડ્રમની ચોરીના વણઉકેલાયેલા ગુનાનો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી ચોરીના કેબલ સહિત કુલ રૂ. 21,62,840નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન અન્ય વિસ્તારોના સોલાર પ્લાન્ટમાંથી પણ કેબલ ચોર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસની વિગતો અનુસાર, તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે એકથી સાત વાગ્યા દરમિયાન ખારચીયા ગામ નજીકના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા શખ્સો 16 ડ્રમમાં રાખેલો કુલ 16,000 મીટર કેબલ ચોરી કરી ગયા હતા. આ અંગે પ્લાન્ટના મેનેજરની ફરિયાદના આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
CCTV અને ટેકનિકલ તપાસથી આરોપીઓ સુધી પહોંચી LCB
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સોલાર પ્લાન્ટની આસપાસ તેમજ આરોપીઓએ ભાગવા માટે ઉપયોગમાં લીધેલા સંભવિત માર્ગો પરના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજના આધારે વાહનની ઓળખ કરી ટેકનિકલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ વાહનમાલિક અને ગુનામાં સંડોવાયેલા શખ્સો સુધી પહોંચી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં દશરથ ઉર્ફે દસો માધાભાઈ સાંખટ (ઉં.વ. 24, રહે. તલી ગામ, ભાવનગર), મહેશ વીજાભાઈ બારૈયા (ઉં.વ. 25, રહે. મેથાળ ગામ, ભાવનગર), પ્રકાશ ઉર્ફે પકો બદુભાઈ બારૈયા (ઉં.વ. 29, રહે. મેથાળ ગામ, ભાવનગર), પ્રવીણ ગણેશભાઈ શીયાળ (ઉં.વ. 36, રહે. મેથાળ ગામ, ભાવનગર) અને વિશાલ ધરમશીભાઈ ભાલીયા (ઉં.વ. 21, રહે. પરતાપરા ગામ, ભાવનગર)નો સમાવેશ થાય છે.
રૂ. 21.62 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં આઠ ડ્રમમાં રહેલો 8,000 મીટર કેબલ, કિંમત રૂ. 6.24 લાખ; અલગ-અલગ લંબાઈના સોલાર DC કેબલના ટુકડાઓ ભરેલા આઠ પ્લાસ્ટિકના બાચકા, વજન 300 કિલોગ્રામ, કિંમત રૂ. 3 લાખ; કોપર વાયર ભરેલા ચાર બાચકા, વજન 139.2 કિલોગ્રામ, કિંમત રૂ. 2,01,840; બોલેરો પિકઅપ વાહન, કિંમત રૂ. 5 લાખ; અર્ટિગા કાર, કિંમત રૂ. 5 લાખ; પાંચ મોબાઇલ ફોન, કિંમત રૂ. 25 હજાર અને રોકડા રૂ. 12 હજારનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 21,62,840 હોવાનું પોલીસે જણાવ્યું છે.
સોલાર પ્લાન્ટની રેકી કરી રાત્રે ચોરી કરતા હોવાનો ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓમાંના મહેશ બારૈયા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં સોલાર પેનલના સ્ટ્રક્ચર ફિટિંગનું કામ કરતો હોવાથી સોલાર પ્લાન્ટમાં વપરાતા સાધનો અને કેબલ વિશે જાણકારી ધરાવતો હતો. કેબલમાં રહેલા તાંબાની કિંમતને ધ્યાનમાં રાખીને તેણે અન્ય શખ્સો સાથે મળીને ચોરીઓ કરવાની ટોળકી બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ દિવસ દરમિયાન રોડની નજીક આવેલા સોલાર પ્લાન્ટની રેકી કરતા હતા. ભંગાર ખરીદવાના બહાને પ્લાન્ટની અંદરની સ્થિતિની જાણકારી મેળવતા અને ત્યારબાદ મોડી રાત્રે કેબલના ડ્રમ ચોરી કરી વાહનોમાં લઈ જતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
અન્ય સોલાર પ્લાન્ટમાં ચોરી કર્યાની પણ કબૂલાત
પોલીસે જણાવ્યું છે કે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ પણ અલગ-અલગ સ્થળોએ સોલાર કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. તેમાં માણાવદર નજીક સરદારગઢ ગામના સોલાર પ્લાન્ટમાંથી બે ડ્રમ, ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ નજીકથી ચાર ડ્રમ, ઉના નજીક વેલાકોટ ગામ પાસેથી કેબલ, ચોટીલા નજીક મોટા હણિયા ગામ પાસેથી આશરે 160 કિલોગ્રામ કેબલ અને ધ્રાફા નજીક મોટા ખડબા ગામ પાસેથી આશરે 400 કિલોગ્રામ કેબલની ચોરી કર્યાની વિગતો સામેલ છે.
આ અન્ય બનાવો અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં તપાસ અને ગુનાની કડીઓની ચકાસણી જરૂરી રહેશે. આરોપીઓની કબૂલાતના આધારે અન્ય ગુનાઓમાં તેમની સંડોવણીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, પી.એન. ભરવાડ તથા ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ કરી હતી. તપાસમાં જેતપુર તાલુકા પોલીસ, જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ના CCTV કમાન્ડ કંટ્રોલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો હતો.









