યોગેશ કાનાબાર

*વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય ઈનોવેશન ચેલેન્જ કાર્યક્રમ યોજાયો*

————————
*શોધ-સંશોધન ક્ષેત્રે નવીન વિચારો સાથે આગળ વધવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર*
————————
*તાલુકાકક્ષાના ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓએ ભાગ લીધો*
————————
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય ઈનોવેશન ચેલેન્જ કાર્યક્રમ અને તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાયો હતો.
સાંસદશ્રીએ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી તેમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, માણસની જરુરિયાતથી નવા આવિષ્કારોની શોધ થઈ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ન્યૂટન, ગેલેલિયો, જેમ્સ વોટ, સહિતના વૈજ્ઞાનિકોના જીવનમાં સર્જાયેલી ઘટનાઓના આધારે જ સંશોધનને વેગ મળ્યો હતો. પહેલા માર્ગદર્શન આપનાર કોઈ ન્હોતું પરંતુ અત્યારે રાજ્ય સરકાર માર્ગદર્શક બની અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે મદદ કરી રહી છે.
સંશોધન અને ઉદ્યોગસાહસિકતાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, પહેલાના સમયમાં વીજળીના અભાવે ગામડાઓમાંથી સ્થળાંતર થતું હતું પરંતુ જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી મળતી થઈ અને નાના ઉદ્યોગોના વિકસવાની સાથે જ સ્થળાંતર થતું અટક્યું. રાજ્યના નાગરિકોએ પી.એમ. સ્વનિધિ યોજના દ્વારા પોતાના વ્યવસાયને વિકસાવ્યો છે.
આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને તકનું મહત્વ જણાવતા કહ્યું હતું કે, જીવનમાં તક એક જ વખત આવતી હોય છે. કાં તો તેઓ તક ઝડપી લે અથવા તો તકને જતી કરે. જો તકને ઝડપી લે તો મનમાં કંઈક કરવાની જીજીવિષા હશે તો ચોક્કસ સફળતા મળશે જ.
કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ઈનોવેશન ચેલેન્જ સમાજના પ્રશ્નોનું સંશોધન દ્વારા સમાધાન શોધવામાં મદદરુપ થાય છે. આજના સ્પર્ધાત્મક અને ટેક્નોલોજી આધારિત યુગમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જિજ્ઞાસાવૃત્તિ અને સમસ્યાઓના નવીન ઉકેલ શોધવાની ક્ષમતા વિકસાવવી અત્યંત આવશ્યક છે.
કોઈપણ દેશ ત્યારે જ આગળ વધી શકે જ્યારે તે દેશમાં વિજ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન મળે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસીત બનાવવાના લક્ષ્યમાં વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રહેતાં પ્રયોગો, સંશોધન અને નવીન પ્રોજેક્ટ્સ દ્વારા પોતાના જ્ઞાનને વ્યવહારુ સ્વરૂપ આપવું જોઈએ.
વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે નવીન વિચારો, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતાને પ્રાધાન્ય આપી સંશોધનમાં મથવું જોઈએ. ડૉ.હોમી ભાભા, ડૉ.સ્વામીનાથન, ડૉ.વિક્રમ સારાભાઈ દ્વારા વિજ્ઞાનના જે બીજ અંકુરિત કરવામાં આવ્યાં છે, તેને મોટા સ્તર પર લઈ જવાની જવાબદારી આવનારી પેઢી પર છે. આમ જણાવી કલેક્ટરશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ઈનોવેશન ચેલેન્જમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર શ્રી હાર્દિકસિંહ વાઘેલાએ કોઈ વિચારને કેવી રીતે વાસ્તવિકતામાં ફેરવી શકાય તે માટેની સમજણ આપવા સાથે બિઝનેસમાં આગળ વધવાની તક સહિત મુદ્રા યોજના, ઉદ્યમ પોર્ટલ, લોન લેવા માટેની પ્રક્રિયા અંગે ઉપસ્થિત સંશોધકોને પ્રેરણા પૂરી પાડી હતી.
કોલેજના આચાર્ય શ્રી સ્મિતાબહેન છગે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓની પ્રતિભા, સંશોધનવૃત્તિ અને નવીન અભિગમના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા, સંશોધન પ્રત્યે રસ જગાડવા અને ભવિષ્યમાં સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે તેવા પ્રતિભાશાળી યુવાનો તૈયાર કરવાની દિશામાં પ્રેરણારૂપ બન્યો હતો.
મહાનુભાવોએ સ્માર્ટ હોમ ઓટોમેશન, વરિયસ પાવર સપ્લાય, ઝિંગા ઉછેર કેન્દ્ર દેખરેખ પ્રણાલી, સ્માર્ટ સોલાર મચ્છરનાશક પ્રણાલી, ઈકો મેટલ સ્માર્ટ કાર્ટ્રિજ જેવા વિવિધ ઈનોવેશન પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાથે જ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપ્યાં હતાં.
જ્યારે તાલુકાકક્ષાના ઔદ્યોગિક ભરતી મેળામાં રાધિકા એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ સ્માર્ટ બજાર, ત્રિમૂર્તિ હોન્ડા, મહાવીર એન્ટરપ્રાઈઝ, પર્ફેક્ટ ઓટો સહિતના નોકરીદાતાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુઓના ઈન્ટરવ્યૂ લઈ પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય શ્રી અમૃતાબહેન અખિયા, ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી શ્રી ડી.એ.પરમાર, આઈ.ટી.આઈ. નોડલ આચાર્ય શ્રી સંદિપ ડોડિયા, રોજગાર વિભાગના શ્રી રમેશભાઈ વાઘ, શ્રી કે.એચ.રામ સહિતના કર્મચારીઓ, સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.








