WAKANER:મોરબી-વાંકાનેરમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા: ૨૧ બોટલ અને મોપેડ સહિત રૂ. ૨૪,૯૪૧નો મુદ્દામાલ જપ્ત

મોરબી:જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકા પોલીસે અલગ-અલગ સ્થળે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને કેસમાં વિદેશી દારૂની ૨૧ બોટલો તથા વાહન મળી કુલ રૂ. ૨૪,૯૪૧નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પીપળી રોડ પર આવેલી શિવપાર્ક સોસાયટીના નાકા પાસેથી દર્શનભાઈ જીજ્ઞેશભાઈ દવે (ઉં.વ. ૨૭, રહે. શિવપાર્ક સોસાયટી, પીપળી ગામ, તા. મોરબી)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૧,૧૯૭ની કિંમતની ૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂની ૭ બોટલો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
બીજી કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં સરતાનપર-રાતાવીરડા રોડ પરથી હીરો ડેસ્ટિની મોપેડ (નંબર: GJ-13-BK-0686) લઈને નીકળેલા અજય ગંગારામ મેટાળિયા (ઉં.વ. ૩૧, રહે. મકનસર, મોરબી, મૂળ રહે. ચોકી, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર)ને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા મોપેડમાંથી રોયલ સ્ટેગ વ્હિસ્કીની નાની-મોટી કુલ ૧૪ બોટલો (કિંમત રૂ. ૩,૭૪૪) મળી આવી હતી. પોલીસે રૂ. ૨૦,૦૦૦ની કિંમતનું મોપેડ અને દારૂ મળી કુલ રૂ. ૨૩,૭૪૪નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરી છે.














