રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, રસ્તા, સરકારી જમીન, સફાઈ સહિતના વિવિધ શહેરી અને ગ્રામ્ય પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત પ્રશ્નોનું નિયમોનુસાર અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે સંકલન સમિતિમાં રજૂ કરવામાં આવતા પ્રશ્નોને પ્રાધાન્ય આપીને તેનો ત્વરિત ઉકેલ લાવવો જરૂરી છે. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવા અને હકારાત્મક નિરાકરણ માટે સંકલિત પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં શહેરી વિસ્તારોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં દબાણ, નવી સરકારી ચાવડી, પોલીસ સ્ટેશન, અશાંતધારો, જનસેવા કેન્દ્ર, રેલવે સંબંધિત બાબતો, સૂચિત સોસાયટીઓ, ખાલી સરકારી જમીન પર વૃક્ષારોપણ, હાઉસિંગ બોર્ડના પ્રશ્નો તેમજ જૂની અને નવી પોસ્ટ ઑફિસને લગતી બાબતોનો સમાવેશ થયો હતો. આ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેમના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોની સમીક્ષા દરમિયાન મુનસર તળાવ અને મલાવ તળાવની સફાઈ, રસ્તાઓના રિસરફેસિંગ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને નદીઓમાંથી કાંપ દૂર કરીને જળપ્રવાહ તથા જળસંગ્રહની ક્ષમતા સુધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીવાના પાણી અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં ચાલુ અને બાકી રહેલાં કામો તથા નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા સંબંધિત બાબતો પણ બેઠકમાં રજૂ થઈ હતી.
મુખ્ય રસ્તાઓની આસપાસનાં વૃક્ષોનું ટ્રિમિંગ, જંગલ વિસ્તારોની સફાઈ અને પોસ્ટલ પિનકોડને લગતા પ્રશ્નો અંગે પણ સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય વિકાસને લગતા પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા પર ભાર મૂક્યો હતો. વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન દ્વારા વિકાસલક્ષી કામગીરીને વેગ આપવા અને બાકી રહેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજિતસિંહ ગોહિલ, ધારાસભ્યો હર્ષદ પટેલ, કૌશિક જૈન, અમિત ઠાકર, હસમુખ પટેલ, અમિત શાહ, કંચનબેન રાદડિયા, દિનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અમૂલ ભટ્ટ, જીતુભાઈ પટેલ, હાર્દિક પટેલ અને કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલન સમિતિ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.










