તા.૧૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર 
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ માં છઠ્ઠા નોરતે ‘શિવ શક્તિ’ પારિવારિક ગરબામાં ‘આનંદનો ગરબો’ ગવાયો: ખેલૈયાઓ ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા
દાહોદના આંગણે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા આયોજિત ‘શિવ શક્તિ’ પારિવારિક ગરબા મહોત્સવમાં ભક્તિસભર અને ઉત્સાહવર્ધક વાતાવરણ જોવા મળ્યું હતું.છઠ્ઠા નોરતાની પાવન સંધ્યાએ શક્તિ સ્વરૂપા મા જગદંબાના ચરણોમાં ‘આનંદનો ગરબો‘ ગાઈને વાતાવરણને માઁ અંબાની ભક્તિથી સભર બનાવી દેવામાં આવ્યું હતું. પારિવારિક અને સુસંસ્કૃત વાતાવરણમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપના સભ્યો દ્વારા માઁ અંબાની મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પારંપરિક પરિધાનમાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓએ ઢોલના તાલે અને માતાજીના પાવન ગરબાઓ પર મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘શિવ શક્તિ’ ગરબા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવાર સાથે મળીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા મુજબ નવરાત્રીની પવિત્રતા જાળવીને ઉજવણી કરવાનો છે. આજના પ્રસંગે વિજેતા બનેલા શ્રેષ્ઠ ખેલૈયાઓ અને વેલ-ડ્રેસ્ડ સ્પર્ધકોને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહમત ઉઠાવી હતી.










