બાંગ્લાદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કોક્સ બાજારમાં દરિયા કિનારે આવેલા એક રિસોર્ટમાં શનિવારે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. આગ સવારે 6:30 વાગ્યાની આસપાસ ઈનાની સ્થિત ‘TUPTUP Resto and Resort’ માં લાગી હતી. ઘાયલોને તાત્કાલિક કોક્સ બાજાર સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ત્રણ માળનું રિસોર્ટ મુખ્યત્વે વાંસ અને લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખું માળખું બળીને ખાક થઈ ગયું હતું. દુર્ઘટના સમયે રિસોર્ટમાં આશરે 30 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 4 થી 5 લોકો જ સુરક્ષિત બહાર નીકળી શક્યા હતા.
ફાયર સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ ચલાવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગ રિસોર્ટના રસોડામાંથી શરૂ થઈ હોઈ શકે છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણી શકાશે.










