TANKARA:ટંકારા: લેબર કોલોનીમાં કામની બોલાચાલી હત્યામાં પરિણમી, વચ્ચે પડેલા નિર્દોષ યુવકનું સારવારમાં મોત

ટંકારા:લજઈ-હડમતીયા રોડ પર આવેલી ‘મેગાટોન પોલીપેક’ નામની ફેક્ટરીની લેબર કોલોનીમાં કામ બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. ઝઘડામાં વચ્ચે બચાવવા પડેલા નિર્દોષ યુવકના માથામાં લાકડાનો ધોકો વાગતાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મેગાટોન પોલીપેક કારખાનાના ગેટ પાસે રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ નામના શખ્સે કામ બાબતે બોલાચાલી કરી મારપીટ શરૂ કરી હતી. આ દરમિયાન મામલો વધુ બિચકતાં મનોહરરાજ સંજય મંડલ નામનો યુવક વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવા અને બચાવવા ગયો હતો. ઉશ્કેરાયેલા રૌશન કુમારે મનોહરરાજના માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી દેતાં તે ગંભીર રીતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો.
ગંભીર ઈજાઓ પહોંચતા મનોહરરાજને તાત્કાલિક ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી મોરબી ખસેડવામાં આવ્યો હતો. જોકે, સ્થિતિ વધુ નાજુક જણાતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર મામલે રૌશન કુમાર અન્નુ રાવતની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.












