રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સ્નેહમિલન યોજાયું

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સ્નેહમિલન યોજાયું

૨૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ ૨૦૦૧થી ૨૦૨૫ સુધીની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એક મંચ પર મળી; ગરબા, રમતગમત અને સ્મૃતિઓની થઈ ઉજવણી

રાજુલા: રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડી.જે. ધંધુકિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૦૧થી ૨૦૨૫ દરમિયાન કોલેજમાં અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી.

કાર્યક્રમમાં ભાવનગરથી પધારેલા સંસ્થાના ટ્રસ્ટી તથા એન.સી. ગાંધી મહિલા કોલેજ, ભાવનગરના પૂર્વ આચાર્ય ડી.જે. ધંધુકિયા, જાણીતા સર્જક શશિકલાબેન ધંધુકિયા, સંસ્થાના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. જીગ્નેશભાઈ વાજા, એસ.ડી. સંસ્થાના આચાર્ય પવનકુમાર ચતુર્વેદી તથા લીગલ એડવાઇઝરી કમિટીનાં સભ્ય ગિરાબેન ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રિના માહોલમાં આદ્યશક્તિની આરાધના સાથે પરંપરાગત અને આધુનિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સૂર અને તાલે પૂર્વ વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ વિવિધ મેદાની રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. લાંબા સમય બાદ પોતાની જૂની સહેલીઓ અને સહઅભ્યાસુ બહેનોને મળતાં સૌએ કોલેજકાળની યાદો તાજી કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના ત્રીજા સત્રમાં મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થીની કાશ્મીરાબેન રવજીભાઈ શિયાળે પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજનાં આચાર્ય ડૉ. રીટાબેન રાવળે સ્વાગત પ્રવચન સાથે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટીશ્રી ડી.જે. ધંધુકિયાના અથાગ પ્રયાસોથી રાજુલા વિસ્તારની દીકરીઓને ઉચ્ચ શિક્ષણની તક મળી છે. કોલેજ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે પણ આશીર્વાદરૂપ બની છે અને અનેક દીકરીઓ શિક્ષણના માધ્યમથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.

આ પ્રસંગે કોલેજમાંથી શિક્ષણ મેળવી વિવિધ વ્યવસાય અને ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. લીનાબેન મહેતાએ કોલેજકાળની યાદો રજૂ કરી હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ધાખડાએ પોતાની પ્રગતિમાં કોલેજના આચાર્ય અને ગુરુજનોના યોગદાનને યાદ કર્યું હતું. કંગનાબેન સોંડાએ સ્વરચિત કાવ્ય રજૂ કર્યું હતું અને યક્ષિતાબેન જોગદિયાએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

જાણીતા કવયિત્રી શશિકલાબેન ધંધુકિયાએ પ્રેરણાદાયી ઉદબોધન સાથે સ્વરચિત કવિતાઓનું ભાવવાહી પઠન કર્યું હતું. તેમણે બહેનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. અધ્યક્ષસ્થાનેથી ટ્રસ્ટીશ્રી ડી.જે. ધંધુકિયાએ શિક્ષણ અને સ્વાવલંબનનું મહત્ત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. રમતગમત તથા અન્ય સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બહેનોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રત્યેનો ઋણભાવ વ્યક્ત કરતાં કોલેજને સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

કેમ્પસ ડાયરેક્ટર ડૉ. જીગ્નેશભાઈ વાજાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને સંગઠિત કરવા એલ્યુમિની એસોસિયેશનની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે માહિતી આપી હતી. સાથે જ વિદ્યાર્થીનીઓની સ્મૃતિઓ અને અનુભવોને આવરી લેતું સ્મરણિકા પ્રકાશિત કરવાની પણ જાણ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. મિત્તલબેન નાયીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું, જ્યારે આભારવિધિ એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી ભગવતીબેન વડીયાએ કરી હતી. અંતે અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કોલેજના પ્રાધ્યાપકગણ અને સ્ટાફના સહયોગથી આ સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો