MORBI:મોરબી-૨: શક્તિ ચેમ્બર સામે રોડ ક્રોસ કરતી વૃદ્ધાને અડફેટે લઈ બાઇકચાલક ફરાર, સારવાર મળે તે પહેલાં જ મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર સામે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. બેંકનું કામ પતાવી રોડ ક્રોસ કરી રહેલાં ૬૦ વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતા બાઇકે જોરદાર ટક્કર મારતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બાઇકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબીના ત્રાજપર વિસ્તારમાં રામજી મંદિરવાળી શેરીમાં રહેતાં મંજુલાબેન ઉર્ફે સવિબેન મનસુખભાઈ અગેચાણીયા (ઉં.વ. ૬૦) ગત ૧૩ ઓક્ટોબરના રોજ શક્તિ ચેમ્બર સામે આવેલી બેંક ઓફ બરોડામાં કામ અર્થે ગયાં હતાં. બપોરે આશરે એક વાગ્યાની આસપાસ તેઓ કામ પતાવી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં, તે દરમિયાન બાઇક (નંબર: GJ-36-BC-3067) ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં મંજુલાબેનને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.આ બનાવ અંગે મૃતકના દૂરના ભત્રીજા રમેશભાઈ બાબુભાઈ સાતોલાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર બાઇકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.













