
હિંમતનગર એ ડિવિઝન પોલીસની મોટી સફળતા: ગણતરીના કલાકોમાં વાહનચોરીનો ભેદ ઉકેલ્યો, બે મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો

હિંમતનગર, તા. 18 ઓક્ટોબર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસે વાહનચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે ચોરાઉ મોટરસાયકલ કબજે કરી છે. પોલીસે રાજસ્થાનના 27 વર્ષીય યુવકને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મિલકત સંબંધી ચોરીના બનાવો અટકાવવા અને ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હિંમતનગર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સહકારી જીન રોડ પર કૃષ્ણા ઠોશાની સામેના ગ્રાઉન્ડ નજીક એક શંકાસ્પદ યુવક મોટરસાયકલ સાથે ઊભો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ યુવકની પૂછપરછ કરી હતી. યુવકે પોતાનું નામ શ્રવણ ઉર્ફે સરવણ કાળુભાઈ લક્ષ્મણભાઈ વાદી (ઉંમર 27 વર્ષ), રહે. ગોવાવાડા, તા. ખેરવાડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી હીરો પેશન પ્રો મોટરસાયકલ અંગે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં બે વાહનચોરીનો ખુલાસો
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ હિંમતનગરના ગોકુલનગર ફાટક પાસેથી હીરો પેશન પ્રો મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત, ગાંધીનગરના સેક્ટર-7 વિસ્તારમાંથી હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરી તેને વેચાણ માટે હિંમતનગર લાવ્યો હોવાની પણ કબૂલાત કરી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.
₹45 હજારની કિંમતનાં બે મોટરસાયકલ કબજે
પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹25,000ની કિંમતની હીરો પેશન પ્રો મોટરસાયકલ (નં. GJ-18-CJ-2032) અને અંદાજે ₹20,000ની કિંમતની હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં. GJ-02-BF-5151) કબજે કરી છે. બંને વાહનોની કુલ અંદાજિત કિંમત ₹45,000 થાય છે.
આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુના ઉપરાંત ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની કડી પણ સામે આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસની આ કામગીરીથી બે વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે









