ઓનલાઇન ફ્રોડ, શંકાસ્પદ લિંક્સ, પાસવર્ડ સિક્યોરિટી અને સોશિયલ મીડિયા સેફ્ટી અંગે માર્ગદર્શન પૂરું પડાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ સંચાલિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “સુરક્ષિત ડિજિટલ પેઢી: સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં સાયબર સુરક્ષા, ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ તેમજ ઓનલાઇન છેતરપિંડી સામે સાવચેતી કેળવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્ય ડૉ. એમ.ડી. ઓડેદરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા વર્તમાન ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ટેકનોલોજીનો હકારાત્મક તેમજ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધારાબેન ભરડવા અને વિશ્વાબેન દ્વારા સાયબર જોખમો સામે સતર્કતા અને શંકાસ્પદ ડિજિટલ ગતિવિધિઓ સામે કાયદાકીય કાર્યવાહી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સી-ડિવિઝન સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ક્રાઇમ સેલ જૂનાગઢના પી. એ. રાઠોડે તકનીકી વ્યાખ્યાન આપતા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી, શંકાસ્પદ લિંક્સ, ફેક પ્રોફાઇલ અને અંગત ડેટાના દુરુપયોગ જેવા જોખમો વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે મજબૂત પાસવર્ડ રાખવા, ગોપનીય વિગતો કોઈ સાથે શેર ન કરવા અને ઓનલાઇન નાણાકીય વ્યવહારોમાં રાખવી પડતી તકેદારીઓ અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ડિજિટલ સુરક્ષા સંબંધિત શંકાઓનું સમાધાન મેળવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. એસ. વી. માવદિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સંચાલન ડૉ. ડી. બી. બારડે કર્યું હતું, જ્યારે અંતમાં ડૉ. એસ. વી. માવદિયાએ આભારવિધિ આટોપી હતી.












