વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ શિવદર્શન સોસાયટીના રહીશ ખુશીબેન અશોકભાઈ વેકરીયા પોતાના પરિવાર સાથે ડાંગ જિલ્લામાં પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન વઘઈ ખાતે આવેલ પ્રખ્યાત ગીરાધોધની મુલાકાત વખતે તેમનો આશરે રૂ. ૧૮,૦૦૦ની કિંમતનો ‘સેમસંગ’ કંપનીનો મોબાઇલ ફોન ક્યાંક ભૂલાઈ ગયો હતો. ત્યાંથી સાપુતારા પહોંચ્યા બાદ પર્સ ચેક કરતાં મોબાઇલ ન મળતાં તેમણે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં તેમણે સાપુતારા પોલીસનો સંપર્ક કર્યો હતો. સાપુતારા પોલીસે બનાવ અંગે વઘઈ પોલીસ સ્ટેશનને તુરંત જાણ કરી હતી. વઘઈ પોલીસની ટીમે તાત્કાલિક ગીરાધોધ ખાતે પહોંચી હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી સઘન તપાસ હાથ ધરી ટૂંક સમયમાં જ ગુમ થયેલો મોબાઇલ શોધી કાઢ્યો હતો. પોલીસે જરૂરી ઓળખ-ખાતરી કરીને પ્રવાસી મહિલાને ફોન મળી ગયાની જાણ કરી હતી. ત્યારબાદ, સાપુતારાથી પરત ફરતી વખતે ખુશીબેન વેકરીયા વઘઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ તેમનો ફોન સહીસલામત પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી મોબાઇલ પરત મળતાં અરજદારે વઘઈ પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.








