YSRCP અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ સ્વીકાર્યું કે,’ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત 2023ના સુધારા કાયદાનું સમર્થન કરીને મારી પાર્ટીએ ભૂલ કરી હતી.’

તેમણે એક નિષ્પક્ષ પસંદગી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સુધારાની માગ કરી છે. રેડ્ડીએ જણાવ્યું કે, ‘ચૂંટણી યોજવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂકમાં સત્તાધારી પક્ષને કોઈ નિર્ણાયક લાભ કે વર્ચસ્વ મળવું જોઈએ નહીં. તેમણે જૂની વ્યવસ્થાને પુનઃ લાગુ કરવાની માગ કરી, જેમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) સામેલ હતા.’
તેમણે કહ્યું કે, ‘અગાઉ YSRCPએ સત્તાધારી પક્ષને આ નિમણૂકો કરવાની મંજૂરી આપતી પ્રક્રિયાનું સમર્થન કર્યું હતું. પરંતુ આજે અમને તે સમર્થન આપવા બદલ અફસોસ છે. અમારાથી ભૂલ થઈ ગઈ.’
કાયદામાં 2023ના સુધારાથી એ સુનિશ્ચિત થયું કે ચૂંટણી કમિશનરોની પસંદગી એવી સમિતિ દ્વારા કરવામાં આવશે જેમાં વડાપ્રધાન, વડાપ્રધાન દ્વારા નામાંકિત એક કેબિનેટ મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતા સામેલ હોય. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અગાઉ આ પસંદગી પ્રક્રિયાનો ભાગ હતા, પરંતુ નવા કાયદા હેઠળ રચાયેલી સમિતિમાંથી તેમને બહાર રાખવામાં આવ્યા છે.
YSRCP પ્રમુખે રાજ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં પણ આવા જ સુધારાની માગ કરી. તેમણે દલીલ કરી કે, મુખ્યમંત્રીઓ અને સત્તાધારી સરકારોનું પસંદગી પ્રક્રિયા પર કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, ‘રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક મુખ્યમંત્રી કે સત્તાધારી સરકાર દ્વારા ન થવી જોઈએ. તેની નિમણૂક કોઈ નિષ્પક્ષ વ્યક્તિ કે સંસ્થા દ્વારા થવી જોઈએ.’
આંધ્ર પ્રદેશમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભમાં રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, ‘સત્તાધારી TDPના નેતૃત્વ હેઠળની NDA સરકારે YSRCP ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરતા રોકીને લોકશાહીને નબળી પાડી છે.’
તેમણે આરોપ લગાવ્યો કે, ‘ઉમેદવારી પત્રો છીનવી લેવામાં આવ્યા, પક્ષના કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા અને ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, જ્યારે પોલીસ અને વહીવટી અધિકારીઓ તમામ માટે સમાન તકો સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યા.’










