પેરિસ : ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ મુદ્દે એક મહિના કરતાં વધુ સમય પહેલાં જેન-ઝીના અસાધારણ દેખાવો વચ્ચે જેન-ઝી અને ટ્રેડ યુનિયનોએ મોંઘવારી, કથળતા જીવન સ્તરને સુધારવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં શનિવારે આઠ લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. જોકે, આ રાષ્ટ્રવ્યાપી આંદોલન સાંજ સુધીમાં હિંસક બનતા અરાજક સ્થિતિ સર્જાઈ હતી. પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, દુકાનો લૂંટી હતી. દેખાવકારોએ લિમોઝ શહેરમાં ઐતિહાસિક ૧૪૦ વર્ષ જૂના ટાઉન હોલ સહિત અનેક ટાઉન હોલને સળગાવી દેતાં ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી હાલત પેદા થઈ છે. પોલીસે ૨૦૦૦થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી. જોકે, આ દેખાવોમાં એક વ્યક્તિનું મોત થતા તેમજ હજારોની ધરપકડથી દેખાવકારો ભડક્યા હતા અને સતત બીજા દિવસે રવિવારે પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું.

ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ મુદ્દે જેન-ઝીએ શરૂ કરેલું આંદોલન હવે સતત ખરાબ થઈ રહેલી જાહેર સેવાઓ, મોંઘવારી, આકાશને આંબતા ઈંધણના ભાવ મુદ્દે જનાક્રોશમાં ફેરવાયું છે. દેખાવકારોએ પેરિસ, માર્સેલી, ટુસૌલ, લિમોઝ સહિતના શહેરોમાં દેખાવકારોએ દુકાનોમાં તોડફોડ અને લૂટંફાટ કરી હતી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લિમોઝ શહેરમાં ૧૯મી સદીના ઐતિહાસિક ટાઉન હોલ સહિત અનેક શહેરોના સિટી હોલ તેમજ અનેક ઈમારતોને આગ લગાવી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે, સમગ્ર દેશમાં હિંસક દેખાવો કરનારા ૨૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. એકલા પેરિસમાં જ ૫૫૭ લોકોની અટકાયત કરાઈ હતી. પોલીસ અને દેખાવકારો વચ્ચે થયેલા ઘર્ષણમાં ૬૦૦થી વધુ પોલીસ અધિકારીઓ, અર્ધલશ્કરી દળના જવાનો અને ફાયરફાઈટર્સ ઈજાગ્રસ્ત થયા હતા. પેરિસમાં દેખાવો સમયે હૃદયરોગના હુમલાથી એક દેખાવકારનું મોત થયું હતું.
પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઈરેએ કહ્યું કે શહેરના રસ્તાઓ પર તોફાની તત્વોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. વાહનો સળગાવી દેવાયા છે. બંધ દુકાનોમાં શટરો તોડી લૂંટફાટ કરાઈ છે. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે કહ્યું, દેશમાં અંદાજે ૫.૫ લાખ લોકો દેખાવોમાં જોડાયા હતા, તેમાંથી ૧.૧ લાખ લોકો પેરિસમાં રસ્તા પર ઉતર્યા હતા. જોકે, આંદોલનકારી સંગઠનોએ આઠ લાખ લોકો દેખાવોમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો.
દેશમાં સર્જાયેલી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ મુદ્દે પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ રવિવારે બપોરે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. તેમણે દેશભરમાં શનિવારે થયેલી હિંસા, આગજની, લૂંટપાટની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, હિંસા અને તોડફોડ કરનારા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ કહ્યું કે, આગામી વર્ષે દેશમાં પ્રમુખની ચૂંટણી થવાની છે ત્યારે કોઈને પણ હિંસા મારફત પોતાનો રાજકીય એજન્ડા આગળ વધારવાની મંજૂરી આપી શકાય નહીં.
વાસ્તવમાં જેન-ઝીના દેખાવોની શરૂઆત સમર વેકેશન પછી વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલોમાં પહોંચ્યા ત્યારથી થઈ હતી. સ્કૂલોની દિવાલોમાં પ્લાસ્ટરો ઠેર ઠેર ઉખડી ગયાં હતાં. સ્કૂલોની હાલત અત્યંત ખરાબ હતી. શિક્ષકો પણ પૂરતા ન હતા. તેથી શરૂમાં શાંત રહેલા વિદ્યાર્થીઓ તોફાને ચડયા અને માર્ગો ઉપર આવી ગયા હતા. પાછળથી તેમની સાથે જનતા પણ જોડાઈ હતી.
ફ્રાંસના મીડીયાએ સ્કૂલોના વિડીયો દર્શાવ્યા હતા, જેમાં સ્કૂલોમાં ઉંદરો દોડતા દેખાતા હતા. છતો તૂટેલી હતી. તેમાંથી પાણી ટપકતું હતું. ફર્નિચર પણ તૂટેલાં દેખાતાં હતાં. વિદ્યાર્થીઓએ તેવી પણ ફરિયાદ કરી હતી કે ભીષણ ગરમી આ વખતે પડી છે ત્યારે ક્લાસ રૂમમાં એસી ચાલતાં ન હતાં તો બીજી તરફ શિયાળામાં તેઓ ઠૂંઠવાતા હતા. યુનિવર્સિટીઓમાં પણ માહોલ ખરાબ છે. આથી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાયા છે. આટલું ઓછું હોય તેમ ફ્રાંસના સૌથી મોટા મજૂર સંઘ, જનરલ કોન્ફેડરેશન ઓફ લેબર પણ આ પ્રદર્શનકારીઓને સાથ આપી રહ્યો છે.










