લોકપ્રિય બોલિવૂડ પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલના પિતા અને દિગ્ગજ નેતા રામશરણ નૌટિયાલે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથેનો 12 વર્ષ જૂનો નાતો તોડીને સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી લીધો છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી સેલજા દ્વારા તેમને કોંગ્રેસનું સભ્યપદ અપાવવામાં આવ્યું હતું.

ભાજપથી નારાજ ચાલી રહેલા રામશરણ નૌટિયાલે થોડા દિવસો અગાઉ જ પોતાનું રાજીનામું સ્ટેનોગ્રાફર દ્વારા મોકલાવીને પાર્ટી છોડી દીધી હતી. પાર્ટી છોડવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ માટે એ જગ્યા છોડવી ક્યારેય આસાન નથી હોતી જ્યાં તેણે 12 વર્ષ સુધી સખત મહેનત કરી હોય. પરંતુ માન-સન્માન સૌથી ઉપર છે અને જ્યાં કામ કરનારને યોગ્ય સન્માન ન મળે ત્યાંથી અંતર જાળવી લેવું જ યોગ્ય છે.










