TANKARA: મોટા નફાની લાલચ પડી મોંઘી: ટંકારાના વેપારીએ શેરબજારની ફેક એપમાં ₹84.80 લાખ ગુમાવ્યા!

TANKARA: ટંકારાના જંતુનાશક દવાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે ₹84.80 લાખની સાયબર ઠગાઈ: મોરબી સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ

ટંકારા / મોરબી:રાજકોટ અને ટંકારા પંથકમાં જંતુનાશક દવાનો વ્યવસાય કરતા એક વેપારી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપતી સાયબર ગઠિયાઓની ટોળકીનો શિકાર બન્યા છે. ભેજાબાજોએ નકલી વ્હોટ્સએપ ગ્રૂપ અને ફેક ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા તબક્કાવાર કુલ ₹84,80,000 (ચોર્યાસી લાખ એંસી હજાર) પડાવી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વ્હોટ્સએપ ગ્રૂપ અને ફેક એપથી શરૂ થઈ જાળ

મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા અને ટંકારા તાલુકામાં જંતુનાશક દવાનું કારખાનું ચલાવતા વેપારી વિજ્ઞેશભાઈ હસમુખભાઈ પરમારને ફેબ્રુઆરી 2025માં અજાણ્યા નંબર પરથી “VIP 2 Investment Alliance Training Group A” નામના વ્હોટ્સએપ ગ્રૂપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં શેરબજારની ટિપ્સ અને રોકાણ અંગેની આકર્ષક વાતો દર્શાવવામાં આવતી હતી.

વેપારીનો વિશ્વાસ કેળવ્યા બાદ ઠગ ટોળકીએ તેમને “GALAD ARAB” નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

21 ટ્રાન્ઝેક્શન મારફતે લાખો રૂપિયા પડાવ્યા

શરૂઆતમાં ઓછી રકમનું રોકાણ કરાવ્યા બાદ એપ્લિકેશનના ડિસ્પ્લે પર મોટો નફો દર્શાવવામાં આવ્યો હતો. આ આભાસી પ્રોફિટ જોઈ વેપારી વધુ વળતરની લાલચમાં આવ્યા હતા. ત્યારબાદ ઠગબાજોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવવા દબાણ કર્યું હતું. વેપારીએ તબક્કાવાર 21 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹84.80 લાખ વિવિધ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

નફો ઉપાડવા જતાં એપ્લિકેશન બંધ થઈ ગઈ

જ્યારે વેપારીએ પોતાની મૂળ મુદ્દલ અને તેના પર થયેલા નફાની રકમ ઉપાડવાનો (વિડ્રો કરવાનો) પ્રયાસ કર્યો, ત્યારે ગઠિયાઓએ એપ્લિકેશન બંધ કરી દીધી હતી અને તમામ સંપર્કો તોડી નાખ્યા હતા. પોતાની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં વેપારીએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ

આ સમગ્ર મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકે વ્હોટ્સએપ નંબરના ધારકો, ફેક એપ્લિકેશનના સંચાલકો તેમજ જે બેંક ખાતાઓમાં નાણાં જમા થયા હતા તે ખાતાધારકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા નાણાં જે એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થયા છે તે ફ્રીઝ કરાવવા અને આરોપીઓની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો