MORBI:મોરબીમાં તહેવારો ટાણે ફૂડ વિભાગ ત્રાટક્યું: જાણીતી સ્વીટ્સ-ફરસાણની દુકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય, નોટિસ ફટકારી કાર્યવાહી


મોરબી:આગામી તહેવારોને ધ્યાને રાખીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મોરબી મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણની મોટા પાયે થતી ખરીદીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ, ફરસાણ તેમજ નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, દુકાનો અને રસોડા (કિચન)માં સ્વચ્છતા તેમજ આરોગ્ય વિષયક જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન મોરબીની નામાંકિત દુકાનોમાં જ સ્વચ્છતાનો ઘોર અભાવ જોવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
મહાવીર સ્વીટ, વિપુલ સ્વીટ તથા ગાંડુભાઈ મીઠાઈવાળા સહિતની ખ્યાતનામ પેઢીઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી:ગાંડુભાઈ મીઠાઈ: મીઠાઈ બનાવવાના સ્થળ (કિચન) પર કરોળિયાના જાળા બાઝેલા મળી આવ્યા હતા.

વિપુલ સ્વીટ: દુકાન બહાર ગાંઠિયાના લોટ પર માખીઓ બણબણતી જોવા મળી હતી તેમજ સ્થળ પરથી મળી આવેલ અખાદ્ય અને ખરાબ તેલનો તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર જ નાશ કરાયો હતો.
ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત દુકાનદારોને ફૂડ વિભાગ દ્વારા નોટિસ ફટકારી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાતા રંગોના સેમ્પલ મેળવી લેબોરેટરી પરીક્ષણ કરાવવા માટે જિલ્લા ફૂડ વિભાગને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી છે. તહેવારો ટાણે જ તંત્રના આ દરોડાથી નિયમો નેવે મૂકી ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.













