ડાંગ કલેક્ટર એન.ડી. પરમારની ત્વરિત કામગીરી: ટાંકલીપાડા અને ઇસદરમાં વીજળીના પ્રશ્નોનું નિરાકરણ

ગ્રામજનોની રજૂઆતને પગલે વીજ વિભાગ એક્શનમાં; જર્જરિત વીજ માળખાનું સમારકામ, નવું ડિસ્ટ્રિબ્યુશન બોક્સ લગાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ગામડાંઓમાં પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકાભિમુખ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ટાંકલીપાડા અને ઇસદર ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાતમાં ગ્રામજનો દ્વારા વીજ પુરવઠા અને વીજ માળખાને લગતી વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવતાં કલેક્ટરે તાત્કાલિક સંબંધિત વીજ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જેના પગલે બંને ગામોમાં વીજળી સંબંધિત પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ટાંકલીપાડામાં જર્જરિત વીજ માળખાનું સમારકામ

ટાંકલીપાડા ગામે દેવરામભાઈ ભોયેના ખેતીવાડી વીજ જોડાણનું ટ્રાન્સફોર્મર જર્જરિત સ્ટ્રક્ચર પર સ્થાપિત હતું. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફોર્મરને નવા ઊભા કરવામાં આવેલા સ્ટ્રક્ચર પર ખસેડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગામના પાણી પુરવઠા ગૃહના વીજ જોડાણની લાઇનનું સ્ટ્રક્ચર નમી ગયું હતું. વીજ વિભાગ દ્વારા તેનું યોગ્ય સમારકામ કરી તાણિયા લગાવી માળખાને મજબૂત બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીથી સંભવિત જોખમ ઘટાડવા સાથે વીજ વ્યવસ્થાની સલામતી વધારવામાં આવી હતી.

ઇસદરમાં નવું ડિસ્ટ્રિબ્યુશન બોક્સ, ટ્રાન્સફોર્મર બદલી વીજ પુરવઠો શરૂ

ઇસદર ગામમાં વીજ વિતરણ માટેનું ડિસ્ટ્રિબ્યુશન બોક્સ તૂટેલી અને જર્જરિત સ્થિતિમાં હોવાથી તેને બદલીને નવું બોક્સ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, ગામના સોમાભાઈ બાગુલના ખેતીવાડી વીજ જોડાણના ટ્રાન્સફોર્મરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા કોઇલ અને ઓઇલની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સંબંધિત ટ્રાન્સફોર્મર બદલીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કામગીરીથી વીજ વ્યવસ્થાને ફરી કાર્યરત કરવાની સાથે વીજ માળખાની સલામતી અને પુરવઠાની વિશ્વસનીયતા જાળવવા પગલાં લેવામાં આવ્યાં હતાં.

કલેક્ટરની સૂચનાથી તંત્રની ત્વરિત કાર્યવાહી

ગ્રામજનોની રજૂઆતોને પ્રાથમિકતા આપી કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવતાં વીજ વિભાગે જરૂરી સમારકામ અને બદલાવની કામગીરી હાથ ધરી હતી. પરિણામે ટાંકલીપાડા અને ઇસદર ગામના વીજળી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતાં ગ્રામજનોએ તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓનો આભાર માન્યો હતો.

આ મુલાકાત દરમિયાન આહવાના મામલતદાર રજની વૈષ્ણવ સહિત સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની સમસ્યાઓનો સ્થળ પર તાગ મેળવી તેના ઉકેલ માટે કાર્યવાહી કરવાની આ પહેલ ડાંગ જિલ્લામાં લોકાભિમુખ વહીવટને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો