
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદા કેનાલ પરના રેલવે બ્રિજ પાસે ટ્રેનની અડફેટે માતા-પુત્રનાં કરુણ મોત નીપજવાની દુઃખદ ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરાથી બોડેલી તરફ આવી રહેલી ટ્રેનની અડફેટે બે લોકોનાં મોત થયાં હતાં, જેમાં જૂની બોડેલીના મંદિર ફળિયામાં રહેતાં 65 વર્ષીય ગંજીબેન ગણપતભાઈ બારિયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારિયા નું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ, માતા-પુત્ર ખેતરે ટિફિન આપવા જઈ રહ્યાં હતાં, તે દરમિયાન નર્મદા કેનાલ પરના રેલવે બ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બે સભ્યોનાં અચાનક મોતના સમાચારથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સ્થાનિક વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહો અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ દુર્ઘટના કયા સંજોગોમાં બની અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. નોંધનીય છે કે, માતા-પુત્રનાં આ કરુણ મોતની ઘટનાએ સમગ્ર બોડેલી પંથકને હચમચાવી દીધો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










