MORBI:મોરબી શહેર અને પંથકમાં અપમૃત્યુના ૩ અલગ-અલગ બનાવ: દુર્ગા પૂજા મહોત્સવમાં હાર્ટ એટેક આવતા બંગાળી આધેડ સહિત ૩ વ્યક્તિઓના મોત

મોરબી શહેર તેમજ તાલુકા પંથકમાં અપમૃત્યુ અને આપઘાતના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં દુર્ગા પૂજા મહોત્સવ દરમિયાન હાર્ટ એટેક આવતા એક બંગાળી આધેડ, ઝેરી દવા ગટગટાવી લેતા ૧૨ વર્ષીય સગીરા અને બીમારીના કારણે એક પ્રૌઢનું મોત નીપજ્યું છે. પોલીસે ત્રણેય ઘટનાઓની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા બબલુ શાંતિરામ જોયરદાર (ઉં.વ. ૪૮) ગત રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સુમારે લખધીરવાસ ચોકમાં આયોજિત દુર્ગા પૂજામાં હાજર હતા. તે દરમિયાન તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને હૃદયરોગના હુમલાથી મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં મોરબીના ખેવાળિયા ગામે રહેતી આશાબેન મેરસિંગભાઈ (ઉં.વ. ૧૨) નામની સગીરા ખેવાળિયાથી નારણકા વચ્ચે આવેલી વાડીમાં બપોરના સમયે હાજર હતી, ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણીએ ઝેરી મોનોકોટો દવા ગટગટાવી લીધી હતી. આ બનાવમાં સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા વનરાજસિંહ નરવીરસિંહ જાડેજા (ઉં.વ. ૫૮) નામના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે ફેફસાંની ગંભીર બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું.મોરબી પોલીસે આ ત્રણેય બનાવો અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.













